મૂળ ગુજરાતના પોરબંદરના અનાથ બાળક ગોપાલને દત્તક લઈ, તેનો પાઉન્ડમાં વીમો ઉતારાવી તેની હત્યા કરાવી વીમાની કરોડોની રકમની કમાણી કરી લેવાના સનસનાટી ભર્યા કેસમાં મૂળ ભારતીય અને હાલ બ્રિટન રહેતી મહિલા અને તેના સાથીદારને બ્રિટનમાંથી પ્રત્યાર્પણ મારફતે ભારત લાવવાની અરજી પર બ્રિટનની કોર્ટમાં સુનાવણી શરૂ થઈ છે. જેમાં બ્રિટનની કોર્ટે આ મહિલા આરતી ધીરે તેના જ સહષડયંત્રકાર સાથે બાળકની હત્યાના કલાકો જ પહેલાં જે ઈ-મેઈલની આપ-લે કરેલી તેની સઘળી વિગતો ભારત સરકાર પાસેથી મંગાવી છે. સાથે જ કોર્ટે આખા કેસમાં બંને આરોપીઓ સામે પ્રથમદર્શીય રીતે પ્રત્યાર્પણનો કેસ બનતો હોવાનું પણ નિરીક્ષણ કર્યું હતું. બ્રિટનના હીથ્રો એરપોર્ટ પર કામ કરતી આરતી ધીર (ઉ.વ.54)નો જન્મ કેન્યામાં થયો છે અને મૂળ પંજાબના ગુરૂદાસપુરમાં છે તે તથા જૂનાગઢ કેશોદના રહેવાસી કંવલજીત રાયઝાદા (ઉ.વ.૩૦) પર અનાથ બાળક ગોપાલ અજાણીની હત્યા કરવાનો આરોપ છે. આ બંનેએ પાંચ લાખની સોપારી આપીને ગુજરાતમાં બાળક ગોપાલ તથા તેના સંબંધી હરસુખ કારદાણીની 8, ફેબ્રુઆરી, 2017માં હત્યા કરાવી હતી. હત્યારાએ છરીના ઘા ઝીંકી બંનેની હત્યા કરી હતી. દત્તક બાળક ગોપાલનો રૂ.1.3 કરોડનો વિમો ઉતરાવ્યો હતો. તે હડપ કરવા માટે આ હત્યા કરાવાઈ હોવાનો આરોપ છે. આ કેસમાં બંનેનું પ્રત્યાર્પણ કરવા અંગે બ્રિટનની વેસ્ટમિનસ્ટર મેજિસ્ટ્રેટની કોર્ટમાં કેસ શરૂ થયો છે. આ કેસમાં ગુરૂદાસપુરના નીતિશ મુંડનું પણ નામ ખુલ્યું છે. નીતિશ વિદ્યાર્થી અને તે લંડનમાં રાયઝાદા સાથે અભ્યાસ કરતો હતો. ચીફ મેજિસ્ટ્રેટે નોંધ્યું હતું કે ગોપાલની હત્યા થયાના ત્રણ કલાક પહેલાં આરતી ધીરે નીતિશને ઈ-મેઈલ કર્યો હતો. મેજિસ્ટ્રેટે કહ્યું કે આરતી ધીરે નીતિશને કરેલા તમામ ઈ-મેઈલ હું જોવા માંગુ છું. જો કે ભારતની સરકારે આ બંને વચ્ચેના ઈ-મેઈલ આપ્યા નથી. પ્રથમ દ્દષ્ટિએ આ પ્રત્યાપર્ણનો કેસ બને છે. ગોપાલનો વિમો ઉતારવામાં આવ્યો હતો અને ત્યારપછી મેઈલ કરવામાં આવ્યા હતા. ખાસ કરીને જે દિવસે હત્યા કરવામાં આવી હતી તે દિવસના ઈ-મેઈલ અગત્યના છે.