બોરસદ, વડોદરા, ભરૂચમાં જળબંબાકાર, ભારે વરસાદથી લોકોને હાલાકી, નવનાં મોત

Webdunia
શુક્રવાર, 26 જુલાઈ 2024 (09:58 IST)
ગુજરાતના સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો હતો. જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં છેલ્લા કેટલાય સમયથી પૂરતો વરસાદ પડી રહ્યો ન હતો.
 
જોકે, 24 જુલાઈના રોજ ગુજરાતના 118 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. કેટલાંક સ્થળોએ પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી.
 
બોરસદ, વડોદરા, નર્મદા, પાદરા, ભરૂચ જેવા તાલુકાઓમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળ્યો હતો.
 
બોરસદમાં છેલ્લા 24 કલાકમાં 14 ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે વડોદરા જિલ્લાના વડોદરા અને પાદરા તાલુકામાં આઠ ઇંચથી વધારે વરસાદ નોંધાયો હતો. નર્મદા જિલ્લાના તિલકવાળા તાલુકામાં પણ આઠ ઇંચથી વધારે વરસાદ નોંધાયો હતો. ભરૂચ તાલુકામાં પણ સાત ઇંચથી વધારે વરસાદ નોંધાયો હતો.
 
ભારે વરસાદને કારણે કેટલાક જિલ્લામાં રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા, ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયાં. કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે પૂર જેવી સ્થિતિ જોવા મળી. અતિભારે વરસાદને પગલે વિસ્તારમાં જનજીવનને વ્યાપક અસર પહોંચી છે.
 
ભારે વરસાદની આગાહીના પગલે વડોદરા અને ભરૂચ જિલ્લા કલેકટરે શાળાઓમાં ગુરુવારની રજાની જાહેરાત કરી હતી. સુરત જિલ્લાના કેટલાક તાલુકાઓમાં ભારે વરસાદને કારણે આશરે એક હજાર 300થી વધારે વ્યક્તિઓને રેસક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
 
રાજ્ય સરકારે આપેલી માહિતી પ્રમાણે રાજ્યમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને તહેનાત કરવામાં આવી છે.
 
ગુજરાતમાં વરસાદને કારણે નવ લોકોનાં મોત
રાજ્યના કુલ 74 તાલુકામાં 500 મી.મીથી વધારે વરસાદ નોંધાયો છે.
 
આ બાબતે માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે રાજ્યના કુલ 74 તાલુકાઓમાં 500 મી.મીથી વધારે વરસાદ નોંધાયો છે. કચ્છ વિસ્તારમાં સૌથી વધારે 75.50 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં 73.36 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 62.04 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.
 
જોકે, સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાત અને પૂર્વ મધ્ય ગુજરાતમાં નોંધાયો છે. ઉત્તર ગુજારતમાં 26.71 ટકા અને પૂર્વ મધ્ય ગુજરાતમાં 31.38 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.
 
પટેલે કહ્યું કે રાજ્યના 206 ડૅમો પૈકી 51 ડૅમને હાઈએલર્ટ પર, આઠ ડૅમને ઍલર્ટ પર અને 12 ડૅમોને વૉર્નિંગ સ્ટેજ પર રાખવામાં આવ્યા છે.
 
ગુજરાતના માહિતી ખાતાએ આપેલી વિગત પ્રમાણે, રાજ્યના સાત જિલ્લાઓમાં કુલ ચાર હજાર 238 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું અને 535 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યાં છે.
 
રાજ્યમાં હાલમાં એસડીઆરએફની 20 અને એનડીઆરએફની 13 ટીમોને તહેનાત કરવામાં આવી છે. આ ઉપરાંત એનડીઆરએફની બે ટીમોને રિઝર્વ રાખવામાં આવી છે.
 
ગુજરાત સરકારના જણાવ્યા અનુસાર રાજ્યમાં વીજળી પડવાથી અને કેટલાંક સ્થળે પાણીમાં તણાઈ જવાથી 23 જુલાઈના રોજ નવ લોકોનાં મોત થયાં હતાં. દેવભૂમિ દ્વારકામાં ત્રણ, બનાસકાંઠામાં બે, કચ્છમાં બે, રાજકોટમાં એક અને સુરતમાં એક એમ કુલ નવ મોત નોંધાયાં હતાં.
 
હવામાન વિભાગે માછીમારોને 24 જુલાઈથી 28 જુલાઈ સુધી દરિયો ન ખેડવાની પણ સૂચના આપી છે.

સંબંધિત સમાચાર

Next Article