રાજ્યમાં ૨૪ કલાક દરમિયાન આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં સૌથી વધુ ૧૪ ઈંચથી વધુ વરસાદ વરસ્યો

ગુરુવાર, 25 જુલાઈ 2024 (12:17 IST)
vadodara rain
- વડોદરા જિલ્લાના પાદરા અને વડોદરા તાલુકા ઉપરાંત નર્મદાના તિલકવાડા તાલુકામાં ૮ ઈંચથી વધુ વરસાદ નોંધાયો
- ચાલુ મોસમમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૫૩ ટકાથી વધુ; સૌથી વધુ કચ્છ ઝોનમાં ૭૫ ટકાથી વધુ વરસાદ નોંધાયો

 રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન આણંદ જિલ્લાના બોરસદ તાલુકમાં સૌથી વધુ ૧૪ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. સાથે જ વડોદરા જિલ્લાના પાદરા અને વડોદરા તાલુકા ઉપરાંત નર્મદાના તિલકવાડા તાલુકામાં ૮ ઈંચથી વધુ, જ્યારે ભરૂચ તાલુકામાં ૭ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત નવસારીના ખેરગામ તાલુકામાં અને છોટા ઉદેપુરના નસવાડી તાલુકામાં ૬ ઈંચથી વધુ વારસદા વરસ્યો હોવાના અહેવાલ છે. 
 
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૨૦ જુલાઇ, ૨૦૨૪ના રોજ સવારે ૬ કલાકની સ્થિતિએ રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૫૩ ટકાથી વધુ નોંધાયો છે. જ્યારે, કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ ૭૫ ટકાથી વધુ અને ત્યારબાદ સૌરાષ્ટ્ર ઝોનમાં ૭૩ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં ૬૩ ટકાથી વધુ, પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૩૨ ટકાથી વધુ તેમજ ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો ૨૯ ટકા જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.
 
      આ ઉપરાંત ડાંગના સુબિર તાલુકામાં, નર્મદાના નાંદોદ તાલુકામાં, વડોદરાના શિનોર તાલુકામાં, ભરૂચના અંકલેશ્વર, ઝઘડિયા અને હાંસોટ તાલુકામાં, ગાંધીનગરના દેહગામ તાલુકામાં તેમજ સુરતના મહુવા તાલુકામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૫ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. વધુમાં, રાજ્યના કુલ ૧૫ તાલુકામાં ૪ ઈંચ અને ૨૧ તાલુકામાં ૩ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તદુપરાંત રાજ્યના આશરે ૨૫ જેટલા તાલુકામાં બે ઈંચથી વધુ અને ૪૭ તાલુકામાં એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

વડોદરામાં ગઈકાલે અનરાધાર વરસાદથી શહેર આખુ પાણી પાણી થઈ ગયું છે. સાડા તેર ઈંચ વરસાદ ખાબકી જતા વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે. આથી નદીમાં રહેલા મગરોનો ડર પણ હવે લોકોને સતાવી રહ્યો છે. પૂરના પાણી શહેરમાં ઘૂસવાનું શરૂ થઈ ગયું છે. હાલ વિશ્વામિત્રી નદીની સપાટી 27.85 ફૂટે પહોંચી છે. ભયજનક સપાટી 26 ફૂટ છે. લોકોએ જણાવ્યું હતું કે, આખી રાત સૂતા નથી. ભારે વરસાદથી વડોદરામાં આજે શાળા-કોલેજો બંધ રાખવામાં આવી છે. આ ઉપરાંત ઉપરવાસમાંથી છોડાયેલા પાણીને પગલે વિશ્વામિત્ર નદીમાં પાણી આવ્યું છે. ગઈકાલે વરસાદને કારણે પણ પાણી વધ્યું છે. કમાટીપુરા, પરશુરામ, ભટ્ટો સહિતના નીચાણવાળા વિસ્તારમાં પાણી ઘૂસવાનીની શરૂઆત થઈ છે.
 
ઈમરજન્સી કોન્ટેક્ટ નંબર જાહેર કરાયા
 
વડોદરા કોર્પોરેશન હેલ્પલાઈન- 1800 233 0265
ફ્લડ કંટ્રોલરૂ- 0265 242592
NDRF હેલ્પલાઈન- 9711077372
એનિમલ હેલ્પલાઈન વી કેર- 9409027166

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર