ઊર્જા મંત્રી સૌરભભાઇ પટેલે પાટીદાર અનામત આંદોલનને કોંગ્રેસ પ્રેરિત ગણાવતાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે આજથી ૩ વર્ષ પહેલાં જ્યારે આંદોલન શરૂ થયું ત્યારે સરકારે અને ભાજપાએ આ આંદોલનમાં કોંગ્રેસનો હાથ હોવાની શંકા સેવેલી તે સાચી પડી છે.આ સંદર્ભમાં તેમણે સાફ શબ્દોમાં જણાવ્યું કે હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને કોંગ્રેસ પાછળથી ટેકો આપે છે. એટલું જ નહિ, હાર્દિકને મળવા જનારા પણ એ જ કોંગ્રેસીઓ છે જે ગુજરાત વિરોધીઓ અને શ્રી નરેન્દ્રભાઇ મોદી વિરોધીઓ છે.
તેમણે આ સમગ્ર આંદોલન રાજકીય પ્રેરિત છે તેવી સ્પષ્ટ ટિપ્પણી કરતાં વિપક્ષ કોંગ્રેસને વેધક સવાલ કર્યો કે, જ્યારે સુપ્રિમ કોર્ટ અને હાઇકોર્ટ પ૦ ટકાથી વધુ અનામત આપી ન શકાય તેવા ચૂકાદાઓ આપ્યા છે ત્યારે કોંગ્રેસ એ વિશે શું કહે છે? ઊર્જા મંત્રીએ કોંગ્રેસને આડે હાથ લેતાં જણાવ્યું કે આ કોંગ્રેસ પાટીદાર અનામત આંદોલન મૂદે બેવડી નીતિ-રીતિ અપનાવે છે. થોડા દિવસ પહેલાં કોંગ્રેસના આગેવાનો અને ધારાસભ્યોએ મહામહિમ રાજ્યપાલને મળીને ૮ પાનાનું આવેદનપત્ર આપ્યું તેમાં અનામત વિશે એક શબ્દનો પણ ઉલ્લેખ કર્યો નથી. સૌરભભાઇ પટેલે ઉપવાસ આંદોલન ચલાવી રહેલા હાર્દિક પટેલ છેલ્લા ઘણા દિવસોથી ઉપવાસ પર હોવાથી સ્વાભાવિક રીતે એમની તબિયતમાં બદલાવ આવે જ તેવી લાગણી વ્યકત કરતાં તેમને એવી વિનંતી કરી કે હાર્દિક તબીબી તપાસ અને તબીબી રીપોર્ટ માટે સહકાર આપે તેવું સરકાર ઇચ્છે છે. તેમણે કહ્યું કે, કમનસીબે હાર્દિક પટેલ તબીબી ટીમને તપાસમાં સહકાર આપતા નથી. આમ છતાં રાજય સરકારે તેમના આરોગ્યની ચિંતા કરીને બધી જ વ્યવસ્થાઓ કરી છે. તેમના ઉપવાસ સ્થળે ર૪ કલાક ICU ઓન વ્હીલ્સ, તબીબોની ટીમ સહિત તૈનાત કરવામાં આવ્યા છે. એટલું જ નહિ, જ્યાં પણ મદદની જરૂર પડે ત્યાં સરકાર મદદ કરશે. હાર્દિક પટેલ એમાં સહકાર આપે તેવી અપિલ તેમણે કરી હતી. રાજ્ય સરકારનો ખેડૂતો અને બિન અનામત વર્ગો માટેનો રવૈયો સ્પષ્ટ કરતાં ઉમેર્યુ કે, રાજ્ય સરકારે દેશમાં ર૯ રાજ્યોમાં પ્રથમ પહેલ કરીને બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વર્ગો માટે આયોગ અને નિગમની રચના કરી છે. બિન અનામત વર્ગોના વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ, ઉચ્ચ અભ્યાસ તેમજ સ્વરોજગાર માટે કરોડો રૂપિયાની લોન-સહાયની જોગવાઇઓ કરી છે. એટલું જ નહિ, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અન્વયે પણ રૂ. ૯૦૭ કરોડની ફાળવણી આ સરકારે કરીને યુવાઓને ઉચ્ચ અભ્યાસ, કારકીર્દી ઘડતર સ્વરોજગારની તકો આપી છે. વિજયભાઇ રૂપાણીના નેતૃત્વની આ સરકાર ખેડૂતો પ્રત્યે સંપૂર્ણ સંવેદના સાથે તેમની પડખે ઊભી રહેનારી સરકાર છે તેમ જણાવતાં કહ્યું કે, રાજ્યના ઘરતીપુત્રોને તેમની આવક બમણી થાય અને કૃષિ ખર્ચ ઓછો થાય તે માટે અનેકવિધ પગલાંઓ સરકાર લઇ રહી છે. સૌરભભાઇએ જણાવ્યું કે, ખેતીમાં સિંચાઇના પાણી માટે નર્મદા કેનાલ નેટવર્ક, સુજલામ-સુફલામ જળ અભિયાન, સૌની યોજના, ડ્રીપ ઇરીગેશન જેવી સુવિધાઓ ખેતરે-ખેતરે પહોચાડી છે. રાજ્ય સરકારે ખેડૂતોની પેદાશોના પૂરતા ભાવ તેમને મળી રહે તે માટે ટેકાના ભાવ કરતાં વધુ બોનસ આપીને મગફળી, કપાસ, તૂવેર, ચણાની ખરીદી કરી છે તેની વિગતો તેમણે આપી હતી. મગફળી ખરીદીના રૂ. ૩૭૦૦ કરોડ ખેડૂતોના ખાતામાં સીધા જ જમા થયા છે. એટલું જ નહિ, ખેતી અને ખેડુત વધુ સમૃધ્ધ બને તે માટે રૂ. ૪પ૦૦ કરોડ વીજળી, રૂ. પ૦૦૦ કરોડ નર્મદાના પાણી માટે સરકાર ખર્ચે છે. ધરતીપુત્રોને ઝિરો ટકાવ્યાજે લોન-સહાય પણ આ સરકાર આપીને તેમની પડખે ઊભી છે તેવું સ્પષ્ટપણે તેમણે જણાવ્યું હતું. પાટીદાર સમાજનો આ આંદોલન દરમિયાન શાંતિ જાળવી રાખી સહયોગ આપવા માટે આભાર વ્યકત કર્યો હતો. તેમણે ઉમેર્યુ કે, પાટીદાર આંદોલનના વિવિધ તબક્કે સરકારે પાટીદાર સમાજના અગ્રણીઓની બેઠકો યોજીને તેમને સર્વોચ્ચ અદાલત-રાજ્ય વડી અદાલતના અનામત અંગેના ચૂકાદાઓથી માહિતગાર કર્યા જ હતા. એ આગેવાનો એમાં સહમત હતા અને આજે પણ પાટીદાર આગેવાનો સરકાર પાસે આવે તો અમારા દરવાજા ખૂલ્લા છે અમે કોર્ટના ચૂકાદાઓ અને બંધારણની નીતિઓ એમના ધ્યાને મૂકીશું. તેમ સૌરભભાઇ પટેલે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, પાટીદાર સમાજ સમજે છે અને તેને જાણ છે કે આ આંદોલન પાછળ કોનો હાથ છે. આવનારા દિવસોમાં કોંગ્રેસ ગુજરાતમાં શાંતિ-સલામતિ કેમ જોખમાય તેવા પ્રયાસો તોફાનો દ્વારા કરશે પરંતુ પાટીદાર સમાજ જાગૃત છે અને રહેશે તેવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો. સૌરભભાઇ પટેલે સ્પષ્ટપણે ઉમેર્યુ કે, ગુજરાતની આ સરકાર સાડા ૬ કરોડ ગુજરાતીઓની, દરેક ક્ષેત્રના લોકોની વાત-રજૂઆત સાંભળવા તૈયાર છે. એટલું જ નહિ, નીતિ નિયમો અને બંધારણની જોગવાઇઓ પ્રમાણે જે થઇ શકે તે બધું જ કરવાના પણ પક્ષમાં છે. આ સમગ્ર આંદોલન રાજકીય ઇરાદા પ્રેરિત હોવાનો સ્પષ્ટ મત વ્યકત કરતાં કહ્યું કે તેને રાજકીય રીતે જ સમાપ્ત કરવું જોઇએ. રાજ્યની શાંતિ-સલામતિ ન જોખમાય તે માટે વિજયભાઇ રૂપાણીની આ સરકાર સંપૂર્ણ પ્રતિબધ્ધ છે.