અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટીક એરપોર્ટ ઉપર રિક્ષાવાળા અને ટેક્ષીવાળાઓ પેસેન્જરો સાથે ઉઘાડી લૂંટ કરતાં હોવાનું જાણવા મળ્યું છે. એરપોર્ટ કમ્પાઉન્ડમાં ગેરકાયદે ઘૂસી આવતા રિક્ષાવાળાઓ મીટર વગરની રિક્ષા દ્વારા પેસેન્જરો પાસે બે થી ત્રણ ગણાં ભાડાની માંગણી કરે છે. જો પેસેન્જરો ના પાડે તો તેમની સાથે બોલાચાલી અને મારામારી પણ કરતા હોવાની બૂમ ઉઠી છે. ચોંકાવનારી વાત એ છે કે આવા ગેરકાયદે ઘૂસી આવતા રિક્ષા-ટેક્ષીવાળા સામે પોલીસ કે એરપોર્ટ ઓથોરીટી પણ કોઈ પગલાં લેતાં નથી. પ્ત માહિતી મુજબ એરપોર્ટ કમ્પાઉન્ડમાં જી-ઓટો કે અન્ય પ્રિપેડ રિક્ષા-ટેક્ષીને જ પ્રવેશની મંજૂરી છે. આમ છતાં કેટલાય મીટર વગરની રિક્ષાવાળાઓ યેનકેન પ્રકારે એરપોર્ટમાં ઘૂસી આવે છે. આવા ગેરકાયદે ઘૂસી આવતા રિક્ષાવાળાઓ પેસેન્જરો પાસેથી ઉચ્ચક બમણાં ભાડા પડાવે છે. આશ્ચર્યની વાત તો એ છે કે મીટર વગરની રિક્ષાઓ એરપોર્ટ કમ્પાઉન્ડમાં કેવી રીતે ઘૂસી જાય છે. આવા લોકો સામે પોલીસ કે એરપોર્ટ ઓથોરીટી પણ કોઈ નક્કર પગલાં લેતા નથી જેથી આવા રિક્ષા-ટેક્ષીવાળાઓ પેસેન્જરોની રીતસરની લૂંટ ચલાવે છે.