14 કરોડના કૌભાંડમાં વાઇસ ચેરમેનની ધરપકડ, આશાબેન ઠાકોરને સેશન્સ કોર્ટે 1 દિવસના રિમાન્ડ આપ્યા

Webdunia
બુધવાર, 7 જુલાઈ 2021 (11:02 IST)
દૂધસાગર ડેરીના ઘી ભેળસેળ કૌભાંડમાં પૂર્વ ચેરમેન આશાબેન ઠાકોર 15 દિવસે જામીન ઉપર મુક્ત થયાં હતાં. પરંતુ, ગાંધીનગર સીઆઈડી ક્રાઈમે બોનસ પગાર કૌભાંડ મામલે પુન: ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આશાબેન ઠાકોરની ગત 22 જૂને વતન કહીપુરથી ધરપકડ કરાઇ હતી.દૂધસાગર ડેરી સંચાલિત હરિયાણાના પુન્હા સ્થિત પ્લાન્ટમાંથી ઘી ભરેલું ટેન્કર રાજસ્થાન માં પકડાયા બાદ તપાસમાં ઘી ભેળસેળયુક્ત હોવાનું બહાર આવ્યું હતું. ભેળસેળયુક્ત ઘીના જથ્થાનો નાશ કરવા ફેડરેશને જણાવ્યું હોવા છતાં ડેરીના સત્તાધીશો દ્વારા ઘીનો નાશ નહીં કરી ગંભીર પ્રકારનો ગુનો કરાયો હોવાનો આરોપ મૂકાયો હતો. આ મામલે ડેરીના તત્કાલીન ચેરમેન આશાબેન ઠાકોર, વાઈસ ચેરમેન મોંઘજીભાઈ ચૌધરી, એમડી નિશીથ બક્ષી અને લેબ ટેકનિશિયન અલ્પેશ જૈન સામે ફરિયાદ નોંધાઈ હતી. ત્યાર બાદ વાઈસ ચેરમેન, એમડી, લેબ ટેકનિશિયનની ધરપકડ કરાયા બાદ હાઈકોર્ટમાંથી જામીન મેળવ્યા હતા. જ્યારે પૂર્વ ચેરમેન આશાબેન ઠાકોરની ગત 22 જૂને ધરપકડ કરાઇ હતી. આ કેસમાં આશાબેન ઠાકોરે મહેસાણાની સ્પેશિયલ એસીબી કોર્ટમાં નિયમિત જામીન માટે અરજી મૂકતાં બચાવ પક્ષના વકીલ આર.એન. બારોટની દલીલોને ગ્રાહ્ય રાખી ન્યાયાધીશ એમ.ડી. પાન્ડેએ નિયમિત જામીન મંજૂર કર્યા હતા. જોકે, તુરંત ગાંધીનગર સીઆઈડી ક્રાઈમે બોનસ પગાર કૌભાંડ મામલે તેમની ધરપકડ કરી અમદાવાદ સિટી સેશન્સ કોર્ટમાં રજૂ કર્યાં હતાં. જેમાં સ્પે. સરકારી વકીલ વિજયભાઈ બારોટની દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આશાબેનની ધરપકડ બાદ પોલીસના સોગંદનામામાં ચોંકાવનારી હકીકત પ્રકાશમાં આવી છે. જેમાં ડેરીના કર્મચારીઓના નિવેદનમાં જણાવ્યું છે કે, આશાબેન ચેરમેનના સમય દરમિયાન કાયમી ચેરમેનની ઓફિસમાં બેસતાં ન હતાં અને ચેરમેનની ઓફિસની બાજુની ઓફિસમાં બેસતાં હતાં. જ્યારે કાયમી ચેરમેનની ઓફિસમાં વિપુલ ચૌધરી બેસતા હતા.

સંબંધિત સમાચાર

Next Article