અમદાવાદમાં પોલીસ જ ગુનાખોરીમાં ભાગીદાર હોવાનો આરોપ લગાવતું બ્લેક બોર્ડનું લખાણ

Webdunia
ગુરુવાર, 27 ફેબ્રુઆરી 2020 (14:08 IST)
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ગુનાખોરી અને અસામાજિક તત્વો બેફામ બન્યા છે. બુટલેગરો અને અસામાજિક તત્વોને પોલીસ જ મદદ કરે છે. નરોડા પોલીસ અને તેના વહીવટદારોથી સ્થાનિક લોકો પણ કંટાળી ગયા છે. પોલીસના વહીવટદારોના રહેમનજર હેઠળ બુટલેગરો બેફામ દારૂનો ધંધો ચલાવે અને ગુનાખોરી કરે છે. ત્યારે અમદાવાદના એક જાગૃત નાગરિકના નામે નર્મદા કેનાલના બ્રિજ પર એક બોર્ડ મારી અને દારૂનો ધંધો બુટલેગર નહીં પરંતુ પોલીસ જ કરે છે તેવું લખાણ લખ્યું હોવાનો ફોટો સોશિયલ મીડિયા ફરતો થયો હતો. 
જાગૃત નાગરિકના નામે મારેલા બોર્ડમાં લખ્યું છે કે, ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા રુદ્રસિંહ અને ક્રિપાલસિંહ કૃષ્ણનગર, નરોડા અને મેઘાણીનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બુટલેગરો સાથે ભાગીદારી કરી પોલીસના વહીવટથી દારૂનો ધંધો કરે છે. ઠક્કરનગરમાં કાલુ મરાઠી અને સંદીપ ભૈયા છેલ્લા 3 વર્ષથી મહિને 35 લાખનું ભરણ આપે છે. દરરોજ 300 પેટી દારૂનું કટિંગ કરવામાં આવે છે. જેમાં નરોડા અને કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના PI, ACP અને DCP તેમજ સેક્ટર 2ના ઉચ્ચ અધિકારીઓની રહેમનજર હેઠળ દારૂનો વેપાર ચાલે છે. 
રુદ્રસિંહના ગામમાં 150 વિઘા જમીન અને નરોડામાં 3 કરોડનો બંગલો છે. જો તેની તપાસ થાય તો રોડપતિમાંથી કરોડપતિ થવાનાં ખેલ જોવા મળે. છેલ્લા કેટલાય સમયથી નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસકર્મીઓ અને વહીવટદારની રહેમનજર હેઠળ હોટલ અને ગેસ્ટહાઉસમાં દેહવ્યાપાર ચાલે છે. બુટલેગરો બેફામ બની રિંગ રોડ પરથી દારૂની ગાડીઓ શહેરમાં લાવે છે. સોમવારે રાતે પણ રૂપલલનાના મામલે પોલીસ યુવકનો તોડ કરવા ગઈ હતી. જો કે લોકોએ પોલીસનો હુરિયો બોલાવી અને તેમને ખુલ્લા પાડ્યા હતા.

સંબંધિત સમાચાર

Next Article