AAP નેતા યુવરાજસિંહનો દાવો, ડમી વિદ્યાર્થીઓને બેસાડી પરીક્ષાર્થીઓને પાસ કરાવવાનું કૌભાંડ ચાલે છે

Webdunia
બુધવાર, 5 એપ્રિલ 2023 (18:57 IST)
યુવરાજસિંહે કહ્યું છેલ્લા 15 દિવસોમાં અમે એક એક ગામડામાં જઈને તમામ માહિતી ભેગી કરી છે
 
હવે પરીક્ષાનું પેપર ફોડવાની ઝંઝટ પૂરી કેમ કે, આ લોકો તો ઉમેદવાર જ ડમી બેસાડે છેઃ યુવરાજસિંહ
 
 
ગુજરાતમાં ચાલી રહેલી સરકારી ભરતી સહિતની વિવિધ પરીક્ષાઓ ડમી વિદ્યાર્થી આપી રહ્યા હોવાનો આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાએ દાવો કર્યો છે. વર્તમાનમાં સ્પર્ધાત્મક પરીક્ષા, બોર્ડ પરીક્ષા હોય કે અન્ય કોઈપણ પરીક્ષા ગેરરીતિની અલગ અલગ રીત સામે આવે છે. આ વખતે પરીક્ષાઓમાં ડમી ઉમેદવારો બેસાડીને પરીક્ષાર્થીઓને પાસ કરાવવાનું કાવતરૂ ચાલી રહ્યાનો તેમણે આક્ષેપ કર્યો છે.આ પ્રકારના રેકેટમાં નકલી માર્કશીટ, નકલી પ્રમાણપત્ર, નકલી ઉમેદવારથી લઈને ખૂબ મોટા પ્રમાણમાં ગેરરીતિ આચરવામાં આવી રહી છે. 
 
લોકો ડમી ઉમેદવાસ બેસાડી નકલી માર્કશીટથી નોકરી મેળવે છે
બોર્ડની પરીક્ષા હોય કે, સ્પર્ધાત્મક પરીક્ષા અમુક વિસ્તારના લોકો ડમી ઉમેદવારો અને ખોટી માર્કશીટ બનાવી નોકરી મેળવવા લાગ્યા છે. ખાસ કરીને ભાવનગરના તળાજા પંથક અને શિહોર પંથકના ગામડાઓ જેવા કે, પિપરલા, દિહોર, સથરા, ટીમાણા,  દેવગણા, અગિયાળીમાં આ પ્રકારના બનાવો હોવાનું યુવરાજસિંહનું કહેવું છે. તેમનું કહેવું છે કે, છેલ્લા 15 દિવસોમાં અમે એક એક ગામડામાં જઈને તમામ માહિતી ભેગી પણ કરી છે અને અલગ અલગ માધ્યમો સાથે ક્રોસ વેરીફાઈ પણ કરેલ છે.આ પ્રકારે ગેરરીતિ આચરનારા અનેક લોકો અલગ અલગ વિભાગ જેવા કે MPHW,વિદ્યાસહાયક, તલાટી, બિન સચિવાલય, ફોરેસ્ટ, વગેરેમાં નોકરી કરી રહ્યા છે. 
 
હવે તો પરીક્ષા આપનાર ઉમેદવાર પણ નકલી છે.
તેમણે કહ્યું હતું કે, આજે અમે આધાર પુરાવા સાથે અમુક સચોટ અને સાચા દાખલા પણ આપી રહ્યા છીએ. આ ફક્ત અમુક જ નામો છે આના કરતાં પણ વધારે લોકો ગેરરીતિથી સિસ્ટમમાં ઘુસી ગયા છે. તમામને સરકાર ઈચ્છે તો ક્રોસ વેરીફાઈ કરી દૂર કરી શકે છે. કોઈને કોઈ ગેરરીતિ આચરી બોર્ડ પરીક્ષાથી લઇ સ્પર્ધાત્મક પરીક્ષા સુધી ઉમેદવારો પાસ પણ થઈ જાય છે, નોકરી પણ મેળવી લે છે. પણ હવે તો હદ એ છે કે, પરીક્ષા આપનાર ઉમેદવાર પણ નકલી છે. હવે પરીક્ષાનું પેપર ફોડવાની ઝંઝટ પૂરી કેમ કે, આ લોકો તો ઉમેદવાર જ ડમી બેસાડે છે અને માર્કશીટ પણ નકલી મેળવી શકે છે.
 
આવા કૌભાંડ આચરનારા આજે શિક્ષણ જગત સાથે સંકળાયેલા છે
યુવરાજ સિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, ખાસ કરીને આ પ્રકારનું કૌભાંડ ચલાવનાર મુખ્યત્વે શિક્ષણ જગત સાથે સંકળાયેલ અને સીધી કે આડકતરી રીતે ખાનગી સ્કૂલ કે કોલેજો સાથે ઘરોબો ધરાવે છે. આમના જે એજન્ટો છે તે કોઈને કોઈ પ્રાઇવેટ કોચિંગ સંસ્થા સાથે પણ જોડાયેલ જોવા મળે છે. ભાવનગર,સુરેન્દ્રનગર કે ગાંધીનગરમાં ચાલતી પ્રાઇવેટ સંસ્થા આ પ્રકારના ગેરકાયદેસર કૃત્યમાં અગ્રેસર જોવા મળે છે. જે વ્યક્તિ શારીરિક ખોડખાપણ ધરાવતો ન હોઈ તેવા વ્યક્તિઓના PHના સર્ટિ કાઢી નોકરીમાં લાભ પોહચડવાનું કાવતરું ચાલે છે. અગણિત લોકો આ રીતે ખોટા સર્ટિ રજૂ કરી વિદ્યાસહાયક, MPHW,LIજેવી નોકરી વર્તમાનમાં પણ કરી રહ્યા છે.

સંબંધિત સમાચાર

Next Article