ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફૂટવા મુદ્દે હલ્લાબોલ થઈ ચૂક્યો છે. ત્યારે હવે યુનિવર્સિટીનું પેપર ફૂટવાનો દાવો કરવામાં આવ્યો છે. ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં હાલ પરીક્ષા ચાલી રહી છે. ત્યારે બીકોમ સેમ-6ની પરીક્ષાનું પેપર લીક થયું હોવાનો આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાએ દાવો કર્યો છે. પરીક્ષા શરૂ થતા પહેલા જ પેપર સોશિયલ મીડિયામાં ફરતું થયું હતું. જેને લઈ યુનિવર્સિટીમાં દોડધામ મચી ગઈ હતી.
પરીક્ષા શરૂ થતાં પહેલાં પેપર લીક થયું
આ ઘટના અંગે યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ભાવનગર યુનિવર્સિટીમાં શનિવારે બી.કોમ સેમેસ્ટર 6નું પ્રશ્નપત્ર હતું. એકાઉન્ટ વિષયનું પેપર હતું. આ પેપર શરૂ થવાનો સમય બપોરે 3:30 થી 6 કલાકનો હતો. જોકે, પરીક્ષા શરૂ થતા પહેલા 3:12 મિનિટે તે પેપર સોશિયલ મીડિયામાં ફરતું થયું હતું. જે પેપર વાયરલ થયું હતું તે પેપર જ પરીક્ષામાં પુછાયું હતું. વાયરલ પેપરને ક્રોસ ચેક કરતા તેનાથી ભળતુ પેપર હોવાનું સામે આવ્યું હતું.
પશ્ચિમના ધારાસભ્ય સુધી આ વાત પહોંચાડી
યુવરાજસિંહે કહ્યું હતું કે, કેટલાક વિદ્યાર્થીઓના એકબીજા ગ્રુપમાં સોશિયલ મીડિયા મારફતે આ પેપર ફરતું થયું હતું તે જ પેપર પરીક્ષામાં પૂછ્યું હતું. આ બાબતે તેમની પાસે પુરાવા પણ છે. તપાસમાં પોતે સહયોગ આપવા તૈયાર હોવાનું જણાવ્યું હતું. પેપર જે સોશિયલ મીડિયામાં વાયરલ હતું અને જે વાસ્તવિક પરીક્ષામાં પેપર લેવામાં આવ્યું હતું તે બંનેને ચેક કરતા સેમ પેપર હતું. આથી કહી શકાય કે પેપર લીક થયું છે, આ અંગે મુખ્યમંત્રી અને પશ્ચિમના ધારાસભ્ય સુધી આ વાત પહોંચાડી છે.