જૂનાગઢ જિલ્લાની એક એવી શાળા કે... જ્યાં વિદ્યાર્થીઓ ખાનગી છોડી સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરવા આવે છે

Webdunia
બુધવાર, 15 માર્ચ 2023 (15:31 IST)
અદ્યતન ભૌતિક સુવિધાઓની સજ્જ શાપુર પે. સેન્ટર શાળા ખાનગી શાળાઓને ટક્કર મારે છે
 
જૂનાગઢ જિલ્લાની એક એવી શાળા છે કે, જ્યાં વિદ્યાર્થીઓ ખાનગી શાળામાંથી અભ્યાસ છોડી સરકારી પ્રાથમિક શાળામાં ભણવા આવે છે, આ શાળાનું વાતાવરણ અને ભાવાવરણ એવુ છે કે, વિદ્યાર્થીઓને શાળા છોડી ઘરે જવાનું મન થતું નથી ! અદ્યતન ભૌતિક સુવિધાઓથી સજ્જ આ શાળાના આચાર્ય અને શિક્ષણગણની એક માત્ર નેમ છે કે, વિદ્યાર્થીઓ મૂલ્યનિષ્ઠ શિક્ષણ આપવાની સાથે તેમને દેશના શ્રેષ્ઠ નાગરિક તરીકે તૈયાર કરવા, ઉપરાંત વિદ્યાર્થીઓમાં શ્રેષ્ઠ સંસ્કારોનું સિંચન કરવા પર ભાર મૂકી રહ્યા છે. વાત છે, જૂનાગઢ નજીક આવેલ અને વંથલી તાલુકાની શાપુર પે. સેન્ટર શાળાની. આ શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ માટે યુ ટ્યુબ ચેનલ ચલાવે છે, શિક્ષકોના સમર્મિત ભાવ સાથેના શિક્ષણકાર્યથી આ શાળાની ખ્યાતિ એટલી વધી છે કે, જૂનાગઢ શહેરમાં નિવાસ કરતા લોકો પોતાના બાળકોને એક ગાંમડાની એટલે કે, શાપુરની પ્રાથમિક શાળામાં અભ્યાસર્થે મોકલે છે. 
શાપુર પે. સેન્ટર શાળામાં આજે રાજ્ય સરકારના જ્ઞાનકુંજ પ્રોજેક્ટ હેઠળ બે સ્માર્ટ વર્ગખંડ કાર્યરત છે, એટલે વિદ્યાર્થીઓ ઓડિયો-વિઝ્યુલના માધ્યમથી અભ્યાસ કરી રહ્યા છે. આ શાળાનો સ્કૂલ ઓફ એક્સલેન્સ પણ સમાવેશ થયો છે. ઉપરાંત દરેક રૂમમાં સાઉન્ડ સિસ્ટમ, વિદ્યાર્થીઓના શિણણકાર્ય પર દેખરેખ રાખવા માટે સીસીટીવી કેમેરા છે. છેલ્લાં સાતેક વર્ષથી શાપુર પે. સેન્ટર શાળામાં ફરજ બજાવતા આચાર્ય હરેશભાઈ પરમાર કહે છે, વિદ્યાર્થીઓ સરળતાથી લર્નિંગ એટલે કે, તેમની શીખવાની પ્રક્રિયાને સરળ બનાવવા ઉપર ભાર આપી રહ્યા છીએ. શાળામાં જ્ઞાનકુંજ પ્રોજક્ટ તળે ૨ સ્માર્ટ વર્ગખંડો કાર્યરત છે. જેથી વિદ્યાર્થીઓ ઓડિયો-વિઝ્યુલના માધ્યમથી શિક્ષણ કાર્ય થઈ રહ્યું છે. 
ખાસ કરીને વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય પ્રવૃત્તિઓ અને પ્રાયોગિક આધાર પર થઈ શકે તે માટે જુદા-જુદા મોડ્યુલ્સ તૈયાર કરેલા છે. આમ, વિદ્યાર્થીઓ ગણિત-વિજ્ઞાન જેવા અઘરાં કહેવાતા વિષયનાં સિદ્ધાતો પણ ખૂબ સરળાથી ગ્રહણ કરી શકે છે. શાપુર પે. સેન્ટર શાળામાં ૧૮ જેટલા શિક્ષકોના માધ્યમથી ૬૨૦ વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય થઈ રહ્યું છે. જેમાં ૧૯૦ વિદ્યાર્થીઓ આસપાસના ગામ એટલે કે, બહાર ગામથી અભ્યાસ કરવા આવે છે. આ શાળામાં છેલ્લાં ત્રણેક વર્ષમાં અંદાજે ૨૨૫થી વધુ વિદ્યાર્થીઓ ખાનગી શાળા છોડી, આ સરકારી શાળામાં અભ્યાસ કરવા આવ્યાં છે. 
ઉપરાંત શિક્ષણ માટેના દરેક કાર્યમાં શાપુર ગામના અગ્રણીઓનો ખૂબ સહકાર મળે છે સાથે જ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ તરફથી સતત માર્ગદર્શન મળી રહે છે. શાળાના શિક્ષિકા ફુલેત્રા રૂજૂતાબેન અને બારડ મનીષાબને કહે છે કે, બાળકોને મૂલ્યલક્ષી શિક્ષણની સાથે સંસ્કારની આપવામાં આવે છે, વિદ્યાર્થીઓને પુસ્તકોની સાથે બાહ્ય જગતનું જ્ઞાન પ્રાપ્ત કરે તે માટે શૈક્ષણિક પ્રવાસ ઉપરાંત વિવિધ સરકારી કચેરીઓની મુલાકાત કરાવવામાં આવે છે. વિદ્યાર્થીઓની આંતરિક શક્તિઓનો વિકાસ થાય તે માટે સાંસ્કૃતિક પ્રવૃતિ કરવામાં આવે છે. ઉપરાંત અહિયાના વિદ્યાર્થીઓ નવોદય અને અન્ય જાહેર પરીક્ષાઓ આપે છે. જેમાં ઘણાં વિદ્યાર્થીઓને સફળતા મળી છે. તેમજ વિદ્યાર્થીનો મૂલ્યાંકન માટે નિયમિત સમયાંતરે ટેસ્ટ પણ લેવામાં આવે છે. 
 
ખાનગી શાળા છોડી, શાપુર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી કુ. પંક્તિ રાડિયા કહે છે કે... જ્ઞાનકુંજ પ્રોજેક્ટ હેઠળ તૈયાર થયેલા સ્માર્ટ ક્લાસમાં ભણવાથી વધારે યાદ રહે છે ખાનગી શાળા છોડી, શાપુર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરવા આવેલી અને ધોરણ-૮માં અભ્યાસ કરતી કુ. પંક્તિ રાડિયા કહે છે કે, જ્ઞાનકુંજ પ્રોજેક્ટ હેઠળ તૈયાર થયેલા સ્માર્ટ ક્લાસમાં ભણવામાં ખૂબ આનંદ આવે છે. આમ પણ વાંચવા કરતાં ચિત્ર-દ્રશ્ય અને શ્રાવ્ય માધ્યમથી વધુ યાદ રહે છે. 
 
ટીચર અને સર દ્વારા યુ-ટ્યુબ ચેનલના જ્ઞાનસભર વીડિયો પણ શેયર કરવામાં આવે છે. તેમજ અન્ય જ્ઞાનસભર પ્રવૃત્તિઓથી ભણવામાં ખૂબ મજા પડે છે. ઉપરાંત નવોદય સહિત અન્ય જાહેર પરીક્ષાઓની તૈયારીઓ કરાવવામાં આવે છે. કંઈક તેવી જ લાગણી શાપુર પે. શાળાના વિદ્યાર્થી મકવાણા કૃણાલે પણ વ્યક્ત કરી હતી. જિલ્લાની ૫૦૦ શાળામાં ડિઝિટલ માધ્યમથી શિક્ષણ કાર્ય થશે: નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી આર.જી. જેઠવા જૂનાગઢ જિલ્લામાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટની પ્રથમ અને બીજા તબક્કાની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. 
 
જેમાં ૪૬ શાળામાં પ્રોજેક્ટર એટલે કે, દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમથી શિક્ષણ કાર્ય થઈ રહ્યું છે. જૂન માસના અંત સુધીમાં જિલ્લામાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટની ફેઝ-૩ની કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવશે. ફેઝ-૩માં ૩૫૩ જેટલી શાળાઓને જ્ઞાનકુંજ પ્રોજેક્ટ હેઠળ આવરી લેવામાં આવશે. ઉપરાંત ૮૮ જેટલી શાળામાં કોમ્પ્યુટર સાથેની આઈસીટી લેબ કાર્યરત થશે. આમ, રાજ્ય સરકારના પ્રયાસો અને અનુદાનથી જિલ્લાની પ્રાથમિક શિક્ષણમાં નવા આયામો ઉમેરાશે. તેમ નાયબ પ્રાથમિકશિક્ષણાધિકારી આર. જી. જેઠવાએ જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર

Next Article