એક તરફ કચ્છ-સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં બિપરજોય વાવાઝોડાની આફત મુશ્કેલી સર્જી રહી હતી તો બીજી તરફ સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લામાં શુક્રવારે મોડી રાત્રે મજેવડી દરવાજા વિસ્તારમાં દરગાહનું દબાણ દૂર કરવા મામલે પોલીસ અને ટોળા વચ્ચે ઘર્ષણ થયું હતું. ઘર્ષણ દરમિયાન એક નાગરિકનું પ્રાથમિક દૃષ્ટિએ પથ્થરની ઈજાના કારણે મૃત્યુ થયું હતું.
જૂનાગઢના બીબીસી ગુજરાતીના સહયોગી હનીફ ખોખરે આ મામલે આપેલી વિગતો પ્રમાણે દરગાહને હઠાવવાના તંત્રના નિર્ણય સામે મોડી રાત્રે મજેવડી દરવાજા પાસે ભારે સંખ્યામાં લોકોનું ટોળું એકઠું થયું હતું. દરમિયાન થોડી વાર બાદ ટોળું બેકાબૂ પોલીસે બળપ્રયોગ કરવાની ફરજ પડી હોવાનો દાવો કર્યો હતો.
પોલીસ અને ટોળા વચ્ચે થયેલા આ ઘર્ષણમાં પાંચ પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયા હોવાનો દાવો કરાઈ રહ્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર ટોળામાં સામેલ અસામાજિક તત્ત્વોએ એસટી બસને આગ ચાંપવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં બસ ડ્રાઇવર અને કંટક્ટરને ઈજા થઈ હતી. ઘર્ષણના વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાઇરલ થયા હતા. બાદમાં ઘટના સમાચારોમાં છવાઈ ગઈ હતી.
પોલીસ અનુસાર પરિસ્થિતિ થાળે પાડવા અને અસામાજિક તત્ત્વોને શોધવા માટે આખી રાત કોમ્બિંગ હાથ ધરી 174 શકમંદોને રાઉન્ડ અપ કર્યા છે.
પોલીસે આરોપીઓને શોધવા માટે વધુ ટીમો બનાવી અસરગ્રસ્ત વિસ્તારમાં કાર્યવાહી શરૂ કરી ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.