પ્રમુખ સ્વામી નગરમાં IIMથી લઈ મેલબોર્ન યુનિવર્સિટીના ડીગ્રી ધારકો,18 એન્જિનિયર સહિત 46 યુવાનોએ લીધી દીક્ષા

Webdunia
શુક્રવાર, 6 જાન્યુઆરી 2023 (19:06 IST)
પ્રમુખસ્વામી મહારાજ નગરમાં મહંત સ્વામી મહારાજની પાવન નિશ્રામાં સવારે 9 વાગ્યે દીક્ષા સમારોહનો માંગલિક અવસર યોજાયો હતો. આ પ્રસંગે મહંતસ્વામી મહારાજના ચરણે જીવન સમર્પિત કરવા થનગનતા યુવાનોના હૈયે અનેરો ઉત્સાહ ઉમંગ અનુભવાતો હતો. પોતાના વહાલસોયા પુત્રને સ્વામીશ્રીના ચરણોમાં અર્પણ કરી ચૂકેલા વાલીઓ અને સગા–સ્નેહીઓના હૈયામાં પણ અનેરો ઉમંગ હતો.

આ દીક્ષા સમારોહમાં કુલ 46 નવયુવાનોએ પાર્ષદી દીક્ષા લીધી હતી. જેમાં IIM થી લઈ, મેલબોર્ન યુનિવર્સિટીના ડીગ્રી ધારકો છે. તે સિવાય 4 અનુસ્નાતક , 22 સ્નાતક , 18 એન્જિનિયર, 1 શિક્ષક અને 1 ફાર્માસિસ્ટનો સમાવેશ થાય છે.BAPSના વરિષ્ઠ સંતોની ઉપસ્થિતિમાં સ્વામિનારાયણ મહામંત્રના ગાન સાથે આરંભાયેલા પૂર્વાર્ધ મહાપૂજાવિધિમાં દીક્ષાર્થીઓ અને તેમના વાલીઓ પૂજાવિધિને અનુસરતા હતા. સંતોના કંઠેથી ઉચ્ચારતી મહાપૂજાથી વાતાવરણમાં અનેરી દિવ્યતા છવાઈ ગઈ હતી.મહાપૂજા બાદ વરિષ્ઠ સંતોએ પ્રાસંગિક ઉદ્દબોધનો કર્યા હતા. દીક્ષા સમારોહના ઉત્તરાર્ધમાં અન્ય વિધિ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં સંપન્ન થઈ અને સૌ નવદિક્ષિતોના અપાયેલ દીક્ષિત નામની ઘોષણા કરવામાં આવી. IIM ઉદયપુરમાં જેમણે અભ્યાસ કરેલો છે તેવા હાર્દિકભાઈ મિસ્ત્રીએ મહંતસ્વામી મહારાજના હસ્તે દીક્ષા ગ્રહણ કરી જણાવ્યું કે“સાધુ થવાનો મુખ્ય હેતુ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના પ્રેરક વચનો નિ:સ્વાર્થ ભાવે સમાજની સેવા કરવી બીજાના ભલામાં આપણું ભલું સમજી સેવા કરવી એ અનુસાર મારી દીક્ષા સમાજની સેવા કરવા અને મારા આધ્યાત્મિક વિકાસ માટે છે”અમદાવાદથી 150 કિમી દૂર બોટાદ જિલ્લામાં આવેલું સારંગપુર ગામ BAPS સંસ્થાનું મોટું ધામ છે. ત્યાં જ નવા દીક્ષિત સંતોના પ્રશિક્ષણ માટે સંત તાલીમ કેન્દ્ર આવેલું છે. ગુરુ શાસ્ત્રીજી મહારાજની આ વિશિષ્ટ કર્મભૂમિ સારંગપુરને પ્રમુખસ્વામી મહારાજે જ પસંદ કરી અને સંતોની સાધના-શિક્ષણનું મુખ્ય સ્થાન બનાવી દીધું. વિશ્વભરમાંથી સાધુ થવા માટે આવતા યુવકોને તાલીમ આપવા માટે તેઓએ અહીં બધી જ વ્યવસ્થા કરી. ભોજન અને આવાસ ઉપરાંત ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, તપ, સેવા અને સમર્પણના પ્રશિક્ષણ વર્ગો દ્વારા નવ દીક્ષિત સંતોને શાશ્વત જીવનમૂલ્યોના પાઠ ઘૂંટાવનારી એક અનુપમ બ્રહ્મવિદ્યાની કોલેજ પ્રમુખસ્વામી મહારાજે સને 1980માં ઊભી કરી દીધી.

સંબંધિત સમાચાર

Next Article