સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવેલા પ્રવાસીઓને અવ્યવસ્થાનો અનુભવ, પાસ કે ટિકિટની નથી કોઈ વ્યવસ્થા

Webdunia
ગુરુવાર, 1 નવેમ્બર 2018 (18:12 IST)
સરદાર પટેલની જન્મતિથિ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદારની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એટલે કે સ્ટેચ્યૂ ઓફ યુનિટી (એકતાની પ્રતિમા)નું અનાવરણ કર્યું હતું. આ સમયે જાહેરાત કરવામાં આવી હતી કે આવતીકાલ એટલે કે પ્રથમ નવેમ્બરથી જ સ્ટેચ્યૂ ઓફ યુનિટીને જાહેર જનતા માટે ખુલ્લું મૂકી દેવામાં આવશે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીને જોવા આવેલા યાત્રિકાએ નિરાશ થવું પડ્યું હોય તેવો બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે વારાણસી ખાતેથી 45 જેટલા મુસાફરો બસમાં સવાર થઈને સ્ટેચ્યૂ ઓફ યુનિટીને જોવા માટે આવી પહોંચ્યા હતા. આ લોકોને અંદર જવા દેવામાં ન આવતા પ્રવાસીઓએ હોબાળો મચાવ્યો હતો. હાલ સ્ટેચ્યૂ ઓફ યુનિટીને જોવા માટે કોઈ ટિકિટ કે પાસની વ્યવસ્થા ન હોવાને કારણે પ્રવાસીઓને અંદર જવા દેવાયા ન હતા.
બનાવ બાદ પ્રવાસીઓએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીને ખુલ્લું મૂકવાની માંગણી કરી હતી. આ બાબતે સરદાર પટેલ સ્મારક ટ્ર્સ્ટ તાત્કાલિક કોઈ નિર્ણય લે તેવી માંગણી કરવામાં આવી છે. પ્રવાસીઓએ માંગણી કરી હતી કે જ્યાં સુધી કોઈ વ્યવસ્થા નથી થતી ત્યાં સુધી સ્ટેચ્યૂના પરિસરમાં તમામને ફ્રીમાં પ્રવેશ આપવામાં આવે.બીજી તરફ સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું કામ પૂર્ણ થઈ જવાને કારણે અનેક સ્થાનિક લોકોએ પોતાની રોજગારી ગુમાવી છે. કામ પૂર્વ થતાની સાથે સ્ટેચ્યૂનું કામ કરતી કંપનીએ 150થી વધારે સ્થાનિક લોકોને છૂટા કરી દીધા હતા. સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યો હતો કે સરકારે તેમને કાયમી નોકરી આપવાની બાંહેધરી આપી હતી. કંપનીમાંથી છૂટા કરવામાં આવેલા કર્મીઓએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીના ગેટ પાસે હોબાળો મચાવ્યો હતો. હોબાળા બાદ અહીં પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.
 
 

સંબંધિત સમાચાર

Next Article