અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં આવેલી વિવિધ હોટલ અને રેસ્ટોરન્ટ ઉપરાંત મીઠાઈ, ફરસાણ સહિતની દુકાનોમાં ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ફૂડ વિભાગના ચેકિંગ દરમિયાન નરોડા વિસ્તારમાં દેવી સિનેમા પાસે આવેલા રાજ કોમ્પલેક્ષમાં પ્રમુખ ખાના ખજાના નામની હોટલમાંથી પનીરનું સેમ્પલ લેવામાં આવ્યું હતું, જે સબ સ્ટાન્ડર્ડ આવ્યું છે. જેથી પ્રમુખ ખાના ખજાના હોટલના પનીરના શાક કેવા બનાવવામાં આવતા હશે તેના પર સવાલ ઉભા થયા છે.
અમદાવાદ શહેરમાં ભેળસેળવાળી ચીજ વસ્તુઓ વાપરતી દુકાનો ઉપરાંત કેટલીક હોટલો, રેસ્ટોરન્ટો અને દુકાનો લાયસન્સ વગર ચાલતી હોય છે તેને લઈ ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. છેલ્લા એક અઠવાડિયામાં 607 જેટલી વિવિધ હોટલ-રેસ્ટોરન્ટ, દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ખાદ્ય ચીજોના 78 સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા. તારીખ 06થી 12 ઓગસ્ટ સુધીમાં શહેરની વિવિધ જગ્યાએથી બેકરીમાં 11, દૂધ-દૂધની વસ્તુઓ 09, મસાલા 12, બેસન મેંદાના 04, સુગર બોઇલ્ડ કન્ફેસરીના 08, અન્ય 32 મળી કુલ 78 નમૂના લઇ લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં ચેકિંગ દરમિયાન 230 નોટિસ આપી હતી. 665 કિલોગ્રામ અને 210 લીટર જેટલા બિન આરોગ્યપ્રદ જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. 108 જેટલા ટીપીસી ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે 52,800 જેટલો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. 424 જેટલા લાયસન્સ ઇસ્યુ કરવામાં આવ્યા છે. ફૂડ વિભાગ દ્વારા આગામી સમયમાં ફૂડ લાયસન્સ રજીસ્ટ્રેશન વગરની દુકાનો સામે કાર્યવાહી કરવામાં આવશે.