પાટીદારોને મનાવવા પીએમ મોદીનો માસ્ટરપ્લાન, સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું લોકાર્પણ થશે

Webdunia
મંગળવાર, 12 જૂન 2018 (12:11 IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેક્ટ ગણાતા સરદાર પટેલની ૧૮૨ મીટર ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું આગામી ૩૧ ઓક્ટોબરે લોકાર્પણ કરવામાં આવશે. સાડા ચાર વર્ષ પહેલા આજના દિવસે ખાત મુહૂર્ત કરાયેલા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના નિર્માણ પાછળ ૧૭૦૦ કરોડથી વધુ ખર્ચ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગત વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનને પગલે ભાજપને બેઠકોનું નુકસાન થયું હતું. જેની અસર હવે 2019ની લોકસભાની ચૂંટણીમાં ન થાય તે માટે સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટિનું લોકાર્પણ કરી પાટીદારોને મનાવી લેવાનો એક પ્રયાસ થઈ રહ્યો છે. આ સિવાય ગુજરાત સરકાર દ્વારા અનામત મુદ્દે પણ મહદ અંશે પાટીદારોને સવર્ણ આયોગની રચના કરાઈ છે અને દમન મુદ્દે પૂંજ પંચ પણ બનાવી દેવામાં આવ્યું છે. સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી બનાવવાનું કામ અત્યારે પૂરજોશમાં ચાલી રહ્યું છે. જેમાં આગામી ૩૧ ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ડ્રીમ પ્રોજેક્ટ સમાન સરદાર પટેલના સ્ટેચ્યૂ ઓફ યુનિટિનું લોકાર્પણ કરશે. ત્યારે સાધુ બેટ ખાતે આ કામ યુધ્ધના ધોરણે પૂર્ણતા તરફ છે. આ પ્રતિમાની પેનલોને વાઘોડિયા ગોડાઉનમાં રાખવામાં આવેલી છે. તેને ભારે ટ્રકોમાં ક્રેઈનની મદદથી સાધુબેટ લઈ જવાય છે. બ્રોન્ઝ દ્વારા નિર્માણ પામનારી સરદાર પટેલની ૧૮૨ મીટર ઊંચી પ્રતિમા બ્રોન્ઝથી બની રહી છે. આ બ્રોન્ઝમાં ૯૦ ટકા તાંબુ અને બાકી ઝીંક ધાતુ વપરાઈ છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટિને જાડતા મુખ્ય પુલનું ૯૫ ટકા કામ પુરુ થઈ ગયુ છે. મુખ્ય સ્ટેચ્યૂ સિવાય અન્ય ભવનોનું પણ નિર્માણ કામ પૂર્ણ થવાના આરે છે. કુલ ૨૯૮૯ કરોડ રૂપિયાના સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પ્રોજેક્ટને લઈને પીએમ મોદી ઉત્સુક હોવા સાથે જાતે ખાસ ધ્યાન રાખી રહ્યા છે. આ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ત્રણ તબક્કામાં નિર્માણ પામી રહી છે. જેમાં કોંક્રિટ, સ્ટીલ અને બ્રોન્ઝનો સમાવેશ કરવામાં આવ્યો છે.

સંબંધિત સમાચાર

Next Article