ગુજરાતમાં કોરોના વાઇરસના નવા વૅરિયન્ટ ઓમિક્રૉનના પ્રથમ કેસની પુષ્ટિ થઈ, સાથે જ પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં પણ કેસ મળી આવ્યો છે.
આ પહેલાં દક્ષિણ ભારતના રાજ્ય કર્ણાટકમાં ઓમિક્રૉન વૅરિયન્ટના 2 કેસ નોંધાયા હતા.
કોરોના વાઇરસના આ નવા વૅરિયન્ટે સરકારની સાથે-સાથે સામાન્ય લોકોની ચિંતા પણ વધારી દીધી છે.
સામાન્ય લોકોનાં મનમાં ઓમિક્રૉન વૅરિયન્ટ અંગે અનેક સવાલો પણ છે જેમ કે આ વૅરિયન્ટ શું છે, તે કેટલો ખતરનાક છે, તેનાં લક્ષણો શું અન્ય વૅરિયન્ટ કરતાં જુદાં છે?
આ રહ્યા ઓમિક્રૉન વૅરિન્ટ અંગેના સવાલોના જવાબ
ઓમિક્રૉન શું છે?
સૌપ્રથમ દક્ષિણ આફ્રિકામાંથી મળી આવેલા કોરોના વાઇરસના વૅરિયન્ટને વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન દ્વારા 'ઓમિક્રૉન' નામ આપવામાં આવ્યું છે. આ વૅરિયન્ટનું વૈજ્ઞાનિક નામ B.1.1.529 છે.
થોડા સમય પહેલાં જ વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન દ્વારા આ વૅરિયન્ટને 'વૅરિયન્ટ ઑફ કન્સર્ન'ની શ્રેણીમાં મૂકવામાં આવ્યો હતો.
નવો વૅરિયન્ટ પેદા કેમ થાય છે?
વાઇરસ પોતાની કાર્બન કૉપી બનાવે છે, પરંતુ આ નકલો અદ્દલોઅદ્દલ સરખી નથી હોતી. નાની અમથી ભૂલ જનીની બંધારણમાં બદલાવ લાવે છે.
જેના પરિણામે વૅરિયન્ટનું નવું રૂપ અસ્તિત્વમાં આવે છે, જો આનાથી વાઇરસને અસ્તિત્વ ટકાવી રાખવામાં મદદ મળે તો નવું સંસ્કરણ પ્રસાર પામશે.
સંક્રમિત વ્યક્તિનું શરીર કોરોના વાઇરસની નકલો બનાવવા માટે અને સ્વરૂપો બદલવા માટે અનુકૂળ હોય છે.