સંભલ જિલ્લાના પોલીસ અધિકારીઓએ બુધવારે તમામ ધર્મોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી, જેમાં સર્વસંમતિથી ધાર્મિક સ્થળોની બહાર લગાવવામાં આવેલા લાઉડસ્પીકરને દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
અધિક પોલીસ અધિક્ષક શ્રીશ ચંદ્રાએ પત્રકારોને જણાવ્યું હતું કે, અમે તમામ ધર્મોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં ધાર્મિક સ્થળોએ લાઉડ સ્પીકરનું પ્રમાણ પૂર્વ નિર્ધારિત સૂચના મુજબ રાખવાનો નિર્ણય લેવાયો હતો. બધાએ સંમતિ આપી કે બહાર લગાવેલા લાઉડસ્પીકર દૂર કરીને ધાર્મિક સ્થળોના પરિસરમાં મૂકવામાં આવશે.
મીટિંગમાં હાજર રહેલા મુફ્તી આલમ રઝા ખાન નૂરીએ કહ્યું, "બેઠકમાં તમામ ધર્મના લોકો હાજર હતા અને દરેક લોકો લાઉડસ્પીકર અંગેની ચર્ચા માટે સંમત થયા હતા."
ચામુંડા મંદિરના મહંત મુરલી સિંહે કહ્યું કે, બધા એ વાત પર સહમત થયા કે લાઉડસ્પીકરનો અવાજ વધારે મોટો ન હોવો જોઈએ. અગાઉ, વહીવટીતંત્ર અને પોલીસની ટીમે દીપા સરાઈ વિસ્તારમાં અતિક્રમણ વિરોધી કામગીરી હાથ ધરી હતી અને અનેક કથિત ગેરકાયદે બાંધકામોને તોડી પાડ્યા હતા. સમાજવાદી પાર્ટીના સાંસદ ઝિયા-ઉર-રહેમાન બર્કનું ઘર પણ આ વિસ્તારમાં છે.