ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી શરૂ થઈ ગયો છે. આ વખતે ભાજપે 26 બેઠકો પાંચ લાખ મતની લીડથી જીતવા માટે કમરકસી છે. ગુજરાતમાં ત્રીજી વાર હેટ્રીક થાય તે માટે ખુદ વડાપ્રધાન મોદી ચારથી વધુ સભાઓ ગજવે તેવી શક્યતાઓ છે. હાલમાં ચાલી રહેલા રૂપાલાના વિરોધને શાંત કરવા માટે વડાપ્રધાન પહેલી સભા રાજકોટમાં કરે તેવી ચર્ચાઓ થઈ રહી છે.સભાની સાથે રેલી, રોડ-શોનું પણ આયોજન કરવામાં આવ્યું હોવાનું ભાજપના સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.
મોદી રૂપાલાના વિરોધને શાંત કરવા મેદાને ઊતરશે
પ્રાપ્ત વિગતો પ્રમાણે ગુજરાતના ચારેય ઝોન સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ, મધ્ય અને ઉત્તરમાં મોદી સભા કરી આખા રાજ્યને કવર કરશે. એમાં પહેલી સભા 22 એપ્રિલે રાજકોટમાં કરે એવી માહિતી રાજકીય સૂત્રો પાસેથી જાણવા મળી છે, કારણ કે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનને લઈ ગુજરાતભરના ક્ષત્રિયો વિરોધ કરી રૂપાલાની ટિકિટ રદ કરવા માગ કરી રહ્યા છે. ત્યારે મોદી આ વિરોધને શાંત કરવા મેદાને ઊતરશે. ગાંધીનગરના પોશ વિસ્તારથી લઈને કચ્છના નલિયા ગામ સુધી મોદીના પક્ષમાં અથવા તો મોદીના વિરોધની વાત સાંભળવા મળી રહી છે.
ભાજપે 2014 અને 2019ની ચૂંટણીમાં ક્લીન સ્વીપ કર્યું હતું
ગુજરાતમાં 7 મેના રોજ મતદાન થવાનું છે. ભાજપે 2014 અને 2019ની ચૂંટણીમાં ક્લીન સ્વીપ કર્યું હતું. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપને 26 બેઠકમાંથી 13 બેઠક પર કોંગ્રેસની સરખામણીએ બેથી અઢી ગણી લીડ સાથે મત મળ્યા હતા. ભાજપે તમામ 26 બેઠક જીતી હતી. આ 26 બેઠકમાંથી 22 બેઠક પર 2 લાખથી વધુના મત સાથે જીત મેળવી હતી. આ સાથે ગાંધીનગર, વડોદરા, સુરત અને નવસારી એમ 4 બેઠક પર પાંચ લાખથી વધુ મતોની સરસાઇ મળી હતી. માત્ર 4 બેઠક એવી હતી, જેના પર જીતનું માર્જિન સવા લાખથી 2 લાખ વચ્ચે રહ્યું હતું. આ પહેલાંની લોકસભા 2014ની સમાન્ય ચૂંટણીમાં ભાજપે 26માંથી 26 બેઠક જીતી હતી, જેમાંથી પણ 16 બેઠક 2 લાખથી વધુના માર્જિન મત સાથે વિજય મેળવ્યો હતો.