લોકસભાની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી શરૃ થઇ ચૂક્યો છે. હવે જાહેરસભા હોય કે, રેલી હોય તો ભાજપ-કોંગ્રેસનો ખેસ પહેરેલો કાર્યકર જ હોય તેવુ માની લેવાની જરૃર નથી. હવ તો ચૂંટણી પ્રચાર,જાહેરસભા અને રેલીમાં ય ભીડ દેખાડવા રાજકીય પક્ષોએ ભાડૂતી કાર્યકરોનો સહારો લેવો પડે છે. સમયની સાથે હવે ચૂંટણીનો ય ઓપ બદલાયો છે. અત્યાર સુધી રાજકીય પક્ષોના કાર્યકરો જ ચૂંટણી સાથે સંકળાયેલાં હતાં પણ હવે એવુ રહ્યુ નથી. અત્યારે તો ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓ મેદાને આવી છે. આ ઉપરાંત રાજકીય પક્ષો સાથે સંકળાયેલાં વ્યક્તિઓ પણ આ કામગીરી કરી રહ્યાં છે જેમકે, બાઇક રેલી હોય તો, યુવાઓ પોતાની બાઇક લઇને રેલીમાં આવે છે જેમને નાસ્તા પાણી, પેટ્રોલ ઉપરાંત રોકડ રકમ આપવામાં આવે છે. આ જ પ્રમાણે, જો જાહેરસભા હોય અથવા તો રેલી હોય તો મહિલાઓ અને યુવાઓને રોજના રૃા.૨૦૦થી માંડીને રૃા.૫૦૦ સુધી આપીને જે તે સ્થળે મોકલી દેવાય છે. આ માટે ખાસ કરીને મહિલાઓને ૨૦૦-૫૦૦ આપીને વાહનો,એસટીમાં લવાય છે.મહિલા ગૃહઉદ્યોગમાં સંકળાયેલી હોય, ભરતકામ, કડિયાકામ સહિત મજૂરી કામ કરતી બહેનોનો આ રીતે સંપર્ક કરીને ચૂંટણીમાં ઉપયોગ કરાય છે. જે ભાજપ-કોંગ્રેસના ખેસ પહેરીને ગણતરીના કલાકો સુધી ભાડૂતી કાર્યકર બની રહે છે.રેલી-જાહેરસભામાં જનારી મહિલા-યુવાન માટે વાહન અને જમવાની ય વ્યવસ્થા કરવામાં આવે છે. આમ,જાહેર સભા અને રેલીમાં ભીડ એકત્ર કરવામાં આવે છે. આ જ પ્રમાણે, બેરોજગાર યુવાનોને પણ રોજીદો ખર્ચ આપીને પોસ્ટર લગાવવા,મતદાનની સ્લિપ પહોચાડવી,ઘેર ઘેર જઇને પ્રચાર કરવો આવી ચૂંટણીલક્ષી કામગીરી સોંપવામાં આવે છે. એક વ્યક્તિ દીઠ રૃા.૧૦૦ કમિશન લઇને આવી ચૂંટણીલક્ષી કામગીરી થઇ રહી છે. બેરોજગારો યુવાનો,મજૂરો,મહિલાઓના સંપર્ક માટે અત્યારે મજૂર નેતા,વિદ્યાર્થી નેતા,સોશિયલ વર્કર,મહિલા મંડળો,જ્ઞાાતિના આગેવાનો,સોસાયટીના ચેરમેનોની આજકાલ ઘણી જ ડિમાન્ડ છે. રાજકીય પક્ષો હવે કાર્યકરો પર નિર્ભર જ નથી. હવે ચૂંટણી પ્રચારમાં ઇલેક્શન મેનેજમેન્ટ થઇ રહ્યુ છે. કારમી મોંઘવારીમાં જમવાનુ,ખર્ચ મળી રહે એટલે ભયો ભયો. ગરીબ-બેરોજગારો માટે ચૂંટણી પણ કમાણીનુ સાધન બની રહ્યુ છે.