દેશમાં નોકરીની લાલચ આપી ગોંધી રાખવામાં આવેલા યુવાનને સહી સલામત પરીવાર

Webdunia
સોમવાર, 20 ફેબ્રુઆરી 2023 (16:37 IST)
વિદેશમાં નોકરીની લાલચ આપી ગોંધી રાખવામાં આવેલા તાલાલાના આશાસ્પદ યુવાનને સહી સલામત ભારત પહોંચાડી પરીવાર સાથે મીલન કરાવતી ગીર સોમનાથ પોલીસ
-  તાલાલાનો નીરવ એજન્ટ મારફતે દુબઇ લઇ ગયો હતો : ત્રણ માસ બાદ વધુ પગારની નોકરીની લાલચ આપી દુબઇનો એક એજન્ટ તેને મ્યાનમાર લઇ ગયો*
-  ફ્રોડ કંપની હોવાનું ધ્યાને આવતા નીરવે આ નોકરી છોડી ભારત પરત જવાનુ કહી દેતા કંપની સંચાલકોએ નીરવ તેમજ તેની સાથે ગયેલા અન્ય ૭ મળી કુલ ૮ યુવાનોને મ્યાનમારના યાંગોન સીટી ખાતે એક ઓરડામા ગોંધી રાખ્યા હતા*
- નીરવે ખાનગી રીતે ફોન મારફતે આ સમગ્ર બાબતની જાણ તેના પિતાને કરતા તેના પિતા જગમાલભાઇએ તાલાલા પોલીસને ઘટનાથી વાકેફ કર્યા હતા*
- ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીની સુચનાથી અને ગીર-સોમનાથ પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ એન. જાડેજાના માર્ગદર્શન હેઠળ તાલાલા પોલીસે વિદેશમાં ગોંધી રખાયેલા ગુજરાતના યુવાનને તાત્કાલિક છોડાવી પરિવારજનો સાથે મિલન કરાવ્યુ*
 
વિદેશમાં નોકરીની લાલચ આપી મ્યાનમાર ખાતે એક ઓરડામાં ગોંધી રાખવામાં આવેલા તાલાલા-ગુજરાતના આશાસ્પદ યુવાનને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીની સુચનાથી અને ગીર-સોમનાથ પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ એન. જાડેજાના માર્ગદર્શન હેઠળ સહી સલામત ભારત પહોંચાડી ગીર સોમનાથ પોલીસે પરીવાર સાથે મીલન કરાવ્યુ છે. તલાલાથી દુબઇ પહોંચેલા નીરવને વધુ પગારની નોકરીની લાલચ આપી દુબઇનો એક એજન્ટ મ્યાનમાર લઇ ગયો હતો. આ કંપની ફ્રોડ હોવાનું ધ્યાને આવતા નીરવે આ નોકરી છોડી ભારત પરત જવાનુ કહી દેતા કંપની સંચાલકોએ નીરવ તેમજ તેની સાથે ગયેલા અન્ય ૭ મળી કુલ ૮ યુવાનોને મ્યાનમારના યાંગોન (YANGON) સીટી ખાતે એક ઓરડામા ગોંધી રાખ્યા હતા. પોલીસને માહિતી મળતા ગોંધી રખાયેલા યુવાનને વિદેશથી છોડાવી આ સફળ ઓપરેશન પાર પાડ્યુ છે. 
 
 ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકા ખાતે પીપળવા ગામમાં રહેતા શ્રી જગમાલભાઇ કરશનભાઇ બામરોટીયાએ તાલાલા પોલીસ સ્ટેશન ખાતે પોતાના પુત્ર સાથે બનેલી ઘટનાની માહિતી આપી હતી. તા.૧૪મી સપ્ટેમ્બર-૨૦૨૨ના રોજ તેમનો ૨૦ વર્ષિય પુત્ર નીરવ બામરોટીયા એક એજન્ટ મારફતે દુબઇ ખાતે ખાનગી કંપનીમા નોકરી માટે ગયો હતો. ત્રણ માસ સુધી ત્યા નોકરી કરી ત્યાર બાદ વધુ પગાર આપવાની લાલચ આપી દુબઇના એક એજન્ટે તેને થાઇલેન્ડ ખાતે નોકરી પર જવાનુ કહી મ્યાનમારના વિઝા બનાવી આપ્યા હતા. તા ૧૨મી ડિસેમ્બર-૨૦૨૨ના રોજ મ્યાનમાર દેશના યાંગોન (YANGON) સીટી ખાતે નીરવને મોકલી દેવામાં આવ્યો હતો. 
 
મ્યાનમાર ખાતેની આ ખાનગી કંપની FENGQINGYANG COMPANY LIMITED ફ્રોડ કરતી હોવાનું નીરવને ધ્યાને આવતા તેણે આ નોકરી કરવાની ના પાડી દીધી હતી. એટલુ જ નહિ,  ભારત પરત જવાનુ કંપનીના સંચાલકને જણાવતા કંપની સંચાલકોએ નીરવને તેમજ તેની સાથે ગયેલા અન્ય યુવાનોને પણ ત્યા મ્યાનમાર દેશના યાંગોન (YANGON) સીટી ખાતે એક ઓરડામા ગોંધી રાખ્યા હતા. નીરવ સાથે ગોંધી રાખવામાં આવેલા અન્ય યુવાનોમાં ચાર ઉત્તરપ્રદેશના અને ત્રણ ઇન્ડોનેશિયાના યુવાનોનો સમાવેશ થાય છે. નીરવે ખાનગી રીતે ફોન મારફતે આ સમગ્ર બાબતની જાણ તેના પિતાને કરી દીધી અને નીરવના પિતા જગમાલભાઇએ તાલાલા પોલીસને આ સમગ્ર ઘટના સંદર્ભે જાણ કરી હતી. 
 
આ ઘટનાની જાણ ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીને થતા આ બાબતને ગંભીરતાથી લઇ વિદેશમાં ગોંધી રાખવામાં આવેલા ગુજરાતના યુવાનને તાત્કાલિક છોડાવી ગુજરાત પરત લાવવા અને પરિવારજનો સાથે ભેટો કરાવવા પોલીસને સુચના આપી હતી. જુનાગઢ રેન્જ આઇ.જી.પી શ્રી મયંકસિંહ ચાવડા તથા ગીર-સોમનાથ પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ એન. જાડેજાના માર્ગદર્શન હેઠળ તાલાલા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ શ્રી આર.એચ.મારૂ તથા તેમની ટીમે સઘન તપાસ શરૂ કરી દીધી હતી. તેમણે પોલીસ અધીક્ષકશ્રીની રાહબરી હેઠળ આ બાબતે ભારત સરકારના ઇમીગ્રેશન ડીપાર્ટમેન્ટ તેમજ મ્યાનમારના ઇમીગ્રેશન ડીપાર્ટમેન્ટ સાથે સતત સંપર્કમા રહી સમગ્ર બનાવ બાબતેની જાણ કરી હતી. 
 
આ બનાવ બાબતે મ્યાનમાર ખાતે ફસાયેલા નીરવનો સંપુર્ણ બાયોડેટા તથા તેમના વિઝા અંગેની તથા પાસપોર્ટ અંગેની તેમજ તેમના મ્યાનમાર ખાતેના યાંગોન (YANGON) સીટીના લોકેશન બાબતેની સંપુર્ણ માહિતી ભારત સરકારના ઇમીગ્રેશન ડીપાર્ટમેન્ટને કરી મ્યાનમાર ઇમીગ્રેશન ડિપાર્ટમેન્ટની મદદથી મ્યાનમાર દેશના યાંગોન (YANGON) સીટી ખાતે ગોંધી રાખેલ નીરવ તેમજ તેની સાથે ફસાયેલ અન્ય લોકોને ત્યાની એજન્સીઓ દ્રારા સહી સલામત સ્થળે લાવવામા આવ્યા છે. ગઇ કાલે તા. ૧૯મી ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ નીરવ જગમાલભાઇ બામરોટીયાને મ્યાનમાર દેશના યાંગોન (YANGON) સીટી ખાતેથી ભારતમાં લાવવા માટે ફ્લાઇટ દ્રારા કલકતા અને ત્યાથી અમદાવાદ અને પોતાના ગામ સુધી સહી સલામત લાવવામા આવ્યા છે. નીરવને તેના પરીવાર સાથે મીલન કરાવી ગુજરાત પોલીસ પરીવારે માનવતાની સાથે સાથે ફરજ પ્રત્યેનુ ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરૂ પાડ્યુ છે. નીરવના પરીવારે ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંધવીનો તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ એન.જાડેજાનો ઉપરાંત તાલાલા પી.એસ.આઇ આર.એચ.મારૂ અને પોલીસ વિભાગ ઉપરાંત ગુજરાત સરકાર તેમજ ભારત સરકારનો ખુબ ખુબ આભાર માની હર્ષની લાગણી વ્યકત કરી છે.

સંબંધિત સમાચાર

Next Article