રિલાયન્સે ઈ-ફાર્મસીમાં કરેલા રોકાણે ઊહાપોહ કેમ સર્જ્યો?

Webdunia
સોમવાર, 7 સપ્ટેમ્બર 2020 (12:40 IST)
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે હાલમાં જ ચેન્નાઈસ્થિત ઓનલાઇન ફાર્મસી કંપની 'નેટમેડ્સ'માં 620 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. 'રિલાયન્સ રિટેઇલ વૅન્ચર્સ'એ 'વિટાલિક હેલ્થ' અને તેની સહયોગી કંપનીઓમાં રોકાણ કર્યું છે. આ સમૂહની કંપનીઓને 'નેટમેડ્સ'ના નામે ઓળખવામાં આવે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ઓનલાઇન ફાર્મા કંપનીમાં આટલા મોટા રોકાણ સાથે જ દેશમાં ઑનલાઇન ફાર્મસી અથવા તો ઈ-ફાર્મસીમાં ભારે સ્પર્ધા શરૂ થવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.
 
આ ક્ષેત્રમાં એમઝોન પહેલાંથી જ પ્રવેશ કરી ચૂકી છે. બેંગલુરુમાં એની ફાર્મા સર્વિસનો પાઇલટ પ્રોજેક્ટ શરૂ થઈ ચૂક્યો છે, તેમજ ફ્લિપકાર્ટ પણ આ ક્ષેત્રમાં ઝંપલાવાની તૈયારીમાં છે.
 
નેટમેડ્સ એક ઈ-ફાર્મા પૉર્ટલ છે જેના ઉપર પ્રિસ્ક્રિપ્શન આધારિત દવાઓ અને અન્ય સ્વાસ્થ્ય ઉત્પાદનોનું વેચાણ કરાય છે. આ કંપની દવાઓ ગ્રાહકના ઘર સુધી પહોંચાડે છે.
આવી જ રીતે એ ઈ-ફાર્મસીના ક્ષેત્રમાં અગાઉથી જ અનેક સ્ટાર્ટ-અપ કંપનીઓ પણ હાજર છે, જેમકે 1mg, PharmaEasy, Medlife વગેરે.
 
આ મોટા પ્લેયરોના આગમન પહેલાંથી વિવાદોમાં રહેલાં ઈ-ફાર્મસી પ્લૅટફૉર્મને લઈને હવે ફરીથી ચર્ચા શરૂ થઈ છે.
 
રિટેલરો અને ફાર્માસિસ્ટો પ્રતિનિધિત્વ કરતી સંસ્થાઓએ આનાથી લાખો લોકોની રોજગારી છીનવાઈ જવાની ચિંતા વ્યક્ત કરી છે. પરંતુ ઈ-ફાર્મા કંપનીઓ આ વાતનો ઇનકાર કરે છે.
 
મુકેશ અંબાણીને લખ્યો પત્ર
 
'ઑલ ઇન્ડિયા ઑર્ગેનાઇઝેશન ઑફ કૅમિસ્ટ ઍન્ડ ડ્રગિસ્ટ ઍસોસીયેશન' (AIOCD)એ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીને પત્ર લખીને નેટમેડ્સમાં રોકાણને લઈને વાંધો ઉઠાવ્યો છે.
 
આ પત્રમાં લખ્યું છે, "રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સ્તરની કંપની એક ગેરકાયદેસર ઉદ્યોગમાં રોકાણ કરે એ ખૂબ જ દુઃખદ છે."
 
પત્રમાં લખાયું છે કે ઈ-ફાર્મસી ઉદ્યોગ ઔષધિ અને પ્રસાધનસામગ્રી અધિનિયમ (ડ્રગ ઍન્ડ કૉસ્મેટિક્સ ઍક્ટ) હેઠળ નથી આવતો, જે દવાઓની આયાત, ઉત્પાદન, વેચાણ અને વિતરણનું નિયમન કરે છે.
 
AIOCDએ આવો જ એક પત્ર એમેઝોનને લખ્યો છે. આ પત્ર વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પીયૂષ ગોયલ અને અન્ય મંત્રાલયોને પણ મોકલવામાં આવ્યો છે.
 
ઇસ્લામિક સ્ટેટ પોતાની વિચારધારાને ઓનલાઇન કઈ રીતે ફેલાવી રહ્યું છે?
 
વર્કિંગ મૉડલથી નોકરીઓ પર જોખમ
 
મોટી મોટી કંપનીઓના ઇ- ફાર્મસી ઉદ્યોગમાં પગ મૂકવાની સાથે જ રિટેલરો અને ફાર્માસિસ્ટોની ચિંતા વધી ગઈ છે. તેમનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થાઓ ઈ-ફાર્મસીને લઈને બે પ્રકારે વાંધો ઉઠાવી રહી છે.
 
પ્રથમ એ કે એમનું માનવું છે કે ઈ-ફાર્મસી પ્લૅટફૉર્મના વર્કિંગ મૉડલને કારણે લાખો રિટેલરો અને ફાર્માસિસ્ટોની નોકરીઓ જઈ શકે છે. તેમનો કારોબાર બંધ થઈ શકે છે.
 
બીજું તેઓ ઈ-ફાર્મા કંપનીઓના સંચાલનના કાયદાકીય પક્ષને લઈને સવાલ ઉઠાવે છે.
 
'ઇન્ડિયન ફાર્મસિસ્ટ ઍસોસિયેશન'ના અધ્યક્ષ અભય કુમાર કહે છે કે ઈ-ફાર્મા પ્લૅટફૉર્મનું જે વર્કિંગ મૉડલ છે તે ફાર્માસિસ્ટની નોકરીને ધીમેધીમે સમાપ્ત કરી દેશે.
 
અભય કુમાર કહે છે, "ઈ-ફાર્મા પ્લૅટફૉર્મ પોતાનાં સ્ટોર, વેરહાઉસ અથવા ઇન્વૅન્ટરી બનાવશે, જ્યાં તેઓ સીધા કંપનીઓ અથવા વિતરક પાસેથી દવા લઈને સંગ્રહ કરશે અને પછી પોતે ત્યાંથી દવાઓ સપ્લાય કરશે. તેવામાં જે સ્થાનિક કૅમિસ્ટની દુકાન છે તેની ભૂમિકા ખતમ થઈ જશે. "
 
"ફાર્મસિસ્ટની નોકરીઓ ઉપર પહેલાંથી સંકટ છે. હૉસ્પિટલોમાં ફાર્માસિસ્ટની જે ખાલી જગ્યાઓ છે તે ભરવામાં નથી આવતી. ત્રણ વર્ષના અભ્યાસ પછી યુવાનો પોતાને બેરોજગાર જુએ છે. એવામાં કૅમિસ્ટ તરીકે જે એમની પાસે કમાણીનું માધ્યમ છે શું તમે એને પણ છીનવી લેવા માગો છો."
 
ઈ-ફાર્મા કંપનીઓ તરફથી આપવામાં આવતું ઘણું વધારે ડિસ્કાઉન્ટ પણ રિટેલરો માટે ચિંતાનું કારણ બન્યું છે.
 
AIOCDના અધ્યક્ષ જે. એસ. શિંદે કહે છે કે ઈ-ફાર્મા કંપનીઓ જેવી રીતે વધુ ડિસ્કાઉન્ટ આપે છે, એક નાનો વેપારી એની સ્પર્ધા નહીં કરી શકે.
 
શિંદે જણાવે છે, "રિટેલરોને 20 ટકા અને હોલસેલરોને 10 ટકા માર્જિન મળે છે. પરંતુ ઈ-ફાર્મસીમાં આવેલી નવી કંપનીઓ 30થી 35 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે."
 
"તેઓ ડીપ ડિસ્કાઉન્ટ આપી શકે છે. થોડું નુકસાન પણ ઉઠાવી શકે છે. પરંતુ સામાન્ય રિટેલર પાસે એટલી મૂડી નથી. એનાથી ગ્રાહકોને પણ સમસ્યા થશે કારણ કે જ્યારે રિટેલરો બજારમાંથી ખસી જશે તો એમનો એકાધિકાર થઈ જશે અને કિંમતો પર નિયંત્રણ મુશ્કેલ બનશે."
 
તેઓ જણાવે છે કે સમગ્ર દેશમાં લગભગ સાડા આઠ લાખ રિટેલર છે અને દોઢ લાખ સ્ટૉકિસ્ટ અને સબ-સ્ટૉકિસ્ટ છે જેમની રોજીરોટી છીનવાઈ જવાની છે.
 
તેમાં કામ કરી રહેલા લોકો અને તેમના પરિવાર મળીને લગભગ 1.9 કરોડ લોકો નિ:સહાય થઈ જશે. કોરોના વાઇરસને કારણે મંદીનો માર સહન કરી રહેલા લોકો પર આ બેવડો માર હશે.
 
શું કહે છે ઈ-ફાર્મા કંપનીઓ
 
પરંતુ ઈ-ફાર્મા કંપનીઓ આ તમામ આરોપો સંપૂર્ણ રીતે નકારે છે. તેમનું કહેવું છે કે તેમના વર્કિંગ મૉડલને લઈને લોકોમાં ગેરસમજ છે. તેમની કામ કરવાની પદ્ધતિ નોકરીઓ લેવાની જગ્યાએ ગ્રાહકો માટે સુવિધા વધારશે, દવાઓ સુધી પહોંચ સરળ બનાવશે અને ફાર્માસિસ્ટોની માગ વધારશે.
 
દવાઓના ઓનલાઇન વેચાણમાં બે પ્રકારનાં બિઝનેસ મૉડલ કામ કરે છે. એક માર્કેટપ્લેસ અને બીજું ઇન્વેન્ટરી લેડ હાઇબ્રિડ (ઑનલાઇન/ ઑફલાઇન) મૉડલ.
 
માર્કેટપ્લેસ મૉડલમાં ઈ-ફાર્મસી પ્લૅટફૉર્મ ગ્રાહક પાસેથી ઑનલાઇન પ્રિસ્ક્રિપ્શન લે છે. આ પ્રિસ્ક્રિપ્શન સીધું વેબસાઇટ અથવા ઍપ ઉપર અપલૉડ કરીને વૉટ્સઍપ, ઈ-મેઇલ અથવા ફૅક્સના માધ્યમથી મોકલી શકાય છે પછી એ પ્રિસ્ક્રિપ્શનને સ્થાનિક લાઇસન્સ પ્રાપ્ત ફાર્મસિસ્ટ (કેમિસ્ટ) પાસે પહોંચાડાય છે. ત્યાંથી દવાઓ લઇને ગ્રાહકને ડિલિવરી કરવામાં આવે છે.
 
બીજી તરફ ઇન્વેન્ટરી મૉડલમાં ઈ-ફાર્મસી પ્લૅટફૉર્મ ચલાવતી કંપનીઓ પોતે દવાઓનો સ્ટૉક રાખે છે અને પ્રિસ્ક્રિપ્શનના આધાર ઉપર દવાઓની ડિલિવરી કરે છે.
 
આ ઓનલાઈન પ્લૅટફૉર્મ જ એક રીતે કેમિસ્ટનું કામ કરે છે.
 
કેટલીક કંપનીઓ હાઇબ્રિડ મૉડલ પર કામ કરે છે. તેઓ દવાઓ અથવા વેરહાઉસ અથવા સ્ટોર પણ રાખે છે અને સ્થાનિક કૅમિસ્ટના સંપર્કથી પણ દવાઓ પહોંચાડે છે.
 
એમની પાસે દવાઓનું વેરહાઉસ અથવા સ્ટોર બનાવવાનું લાઇસન્સ હોય છે.
 
હવે રિટેલરો અને ફાર્મસિસ્ટની ચિંતા ઇન્વેન્ટરી અથવા હાઈબ્રિડ મૉડલને લઈને છે. કારણ કે તેનાથી કૅમિસ્ટની દુકાનોની ભૂમિકનો અંત આવશે.
 
પરંતુ અગ્રણી ઈ-ફાર્મસી કંપનીઓના ઍસોસિયેશન ડિજિટલ હેલ્થ પ્લૅટફૉર્મનું કહેવું છે કે ઈ-ફાર્મા પ્લૅટફૉર્મ સંપૂર્ણ રીતે માર્કેટપ્લેસ મૉડલ ઉપર કામ કરશે.
 
ડિજિટલ હેલ્થ પ્લૅટફૉર્મના સંયોજક વરુણ ગુપ્તાએ જણાવ્યું, "ઇ-ફાર્મસી મૉડલને લઈને અનેક પ્રકારની ગેરસમજ છે. ઈ-ફાર્મસી માર્કેટપ્લેસ મૉડલ હાલની ફાર્મસીને ઑનલાઈન સેવાઓ આપવામાં મદદ કરશે. "
 
"તે અલગ-અલગ ફાર્મસીને એક જ પ્લૅટફૉર્મ પર જોડીને એક નેટવર્ક તૈયાર કરશે. તેનાથી ઇન્વેન્ટરીનો વહીવટ વધુ સારી રીતે થશે, પહોંચ વધશે, કિંમત ઘટશે અને ગ્રાહકોને વધુ સારી સેવા મળશે."
 
ડૉક્ટર વરુણ કહે છે કે કોવિડ-19ની મહામારીએ બતાવ્યું છે કે કેવી રીતે દવાઓના વેચાણમાં બંને માધ્યમ એકસાથે કામ કરી શકે છે. કોઈ પણ શરૂઆતને લઈને લોકોમાં અસુરક્ષા અને ચિંતા હોય છે. નવી ટેકનિક આવવાથી આવો જ વિરોધ અગાઉ પણ જોવા મળ્યો છે.
 
ઑનલાઇન ફાર્મસીઉદ્યોગ સાથે જોડાયેલા એક વિશેષજ્ઞનું પણ કહેવું છે કે તેઓ ઘણું વધારે ડિસ્કાઉન્ટ નથી આપતા.
 
જો કોઈ વારંવાર આટલું ડિસ્કાઉન્ટ આપશે તો તે બજારમાં ટકી નહીં શકે. ઈ-ફાર્મસી પ્લૅટફૉર્મ પોતાનું માર્જિન સ્થાનિક ફાર્માસિસ્ટ સાથે નક્કી કરે છે.
 
અભયકુમારનું કહેવું છે કે જો કંપનીઓ માર્કેટપ્લેસ મૉડલ અપનાવે છે અને ફાર્મસિસ્ટ માટે અવસર ઊભા કરે છે તો એનાથી કોઈ પરેશાની નથી. પરંતુ એવું થવાની શકયતા ખૂબ જ ઓછી છે.
 
હજુ પણ કેટલાંક પ્લૅટફૉર્મ હાઈબ્રિડ મોડલ પર કામ કરી રહ્યાં છે. એમાં એમનો વધુ ફાયદો છે એટલા માટે તેઓ એનો વિરોધ કરી રહ્યા છે.
 
ઈ-ફાર્મસી પ્લૅટફૉર્મ અને હાલના કાયદા
 
ઈ-ફાર્મસી કંપનીઓ અનેક વર્ષોથી ભારતીય બજારમાં કામ કરી રહી છે. પરંતુ હાલ ઘણા નાના પાયા ઉપર છે. કોરોના વાઇરસને કારણે થયેલા લૉકડાઉનમાં ફાર્મા પ્લૅટફૉર્મનો ઉપયોગ પણ વધ્યો છે.
 
મોટા ભાગે ક્રૉનિક દવાઓ એટલે કે લાંબા સમયની બીમારીઓ માટેની દવાઓ માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે.
 
આંકડાઓની વાત કરીએ તો 'ઇકૉનૉમિક ટાઇમ્સ 'ના એક રિપોર્ટ અનુસાર ભારતમાં વર્ષ 2030 સુધીમાં ઈ-ફાર્મસી માટે દવાઓનું માર્કેટ 18.1 અબજ ડૉલર સુધી પહોંચી શકે છે. 2019માં તે 9.3 અબજ ડૉલર હતું.
 
પરંતુ ઈ-ફાર્મસી પ્લૅટફૉર્મની વૈધતાને લઈને લાંબા સમયથી સવાલ ઉઠતા રહ્યા છે. ત્યાં સુધી કે આ મામલો કોર્ટ પણ પહોંચી ચૂક્યો છે.
 
જે. એસ. શિંદે કહે છે, "ઈ-ફાર્મસી હાલ ઔષધિ અને સૌંદર્યપ્રસાધન અધિનિયમ હેઠળ કવર નથી થતી. એટલા માટે એને ચલાવવી ગેરકાયદે છે. "
 
"આ અધિનિયમમાં દવાઓના ઑનલાઇન વેચાણનો ઉલ્લેખ નથી. એટલા માટે એના ઉપર દેખરેખ રાખવી અને નિયંત્રિત કરવું મુશ્કેલ છે."
 
ત્યાં ઈ-ફાર્મા કંપનીઓ એમ દાવો કરતી આવી છે કે તે કાયદાની મર્યાદામાં જ કામ કરે છે.
 
ડૉક્ટર વિરાગ ગુપ્તા જણાવે છે કે ઈ-ફાર્માનું બિઝનેસ મૉડલ ઇન્ફોર્મેશન ટેકનૉલૉજી ઍક્ટ 2000માં વચેટિયાઓની પરિકલ્પના હેઠળ આવે છે. અને લાઇસન્સ પ્રાપ્ત ફાર્મસિસ્ટ (જે પ્રિસ્ક્રિપ્શન ઉપર દવાઓ આપે છે) ડ્રગ્સ ઍન્ડ કૉસ્મેટિક ઍક્ટ હેઠળ આવે છે. ઈ-ફાર્મા કંપનીઓ આ મૉડલ હેઠળ જ કામ કરી રહી છે.
 
ઈ-ફાર્મસીને લઈને બન્યો ડ્રાફ્ટ
 
અનેક પક્ષો તરફથી વાંધો ઉઠાવાયા બાદ 28 ઑગસ્ટ 2018માં દવાઓના ઓનલાઇન વેચાણના નિયમન એટલે કે તેમને કાયદા અંતર્ગત લાવવા માટે નિયમોનો એક ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો હતો.
 
તેના આધાર ઉપર ડ્રગ્સ ઍન્ડ કૉસ્મેટિક રૂલ્સ,1945માં સંશોધન થવાનું હતું. આ ડ્રાફ્ટ ઉપર સામાન્ય જનતા/હિતધારકો પાસેથી મત માગવામાં આવ્યો હતો.
 
આ ડ્રાફ્ટમાં ઈ-ફાર્મા કંપનીઓના રજિસ્ટ્રેશન, ઈ-ફાર્મસીના નિરીક્ષણ, ઈ-ફાર્મસીના માધ્યમથી દવાઓના વિતરણ અથવા વેચાણ માટે પ્રક્રિયા, ઈ-ફાર્મસીના માધ્યમથી દવાઓની જાહેરાત ઉપર રોક, ફરિયાદ નિવારણતંત્ર, ઈ-ફાર્મસી ઉપર દેખરેખ વગેરે સાથે જોડાયેલી જોગવાઈ હતી. પરંતુ આગળ એના ઉપર કંઈ ખાસ થઈ નથી શક્યું.
 
ડિસેમ્બર 2018માં આ મામલો દિલ્હી હાઇકોર્ટ પહોંચ્યો. તો કોર્ટે લાઇસન્સ વિના દવાઓના ઑનલાઈન વેચાણ ઉપર રોક લગાવવાનો આદેશ આપ્યો.
 
તે પછી મદ્રાસની સિંગલ બેન્ચે ડ્રાફ્ટના નિયમ અધિસૂચિત ન થાય ત્યાં સુધી દવાઓનો ઓનલાઈન કારોબાર ન કરવાના નિર્દેશ આપ્યા. પરંતુ જાન્યુઆરી 2019માં મદ્રાસની ડિવિઝન બેન્ચે આ નિર્દેશ ઉપર રોક લગાવી દીધી.
 
ચર્ચા છે કે સરકાર ઔષધિ અને સૌંદર્યપ્રસાધન અધિનિયમમાં સંશોધન કરવા ઉપર વિચાર કરી રહી છે જેથી દવાઓના ઑનલાઇન વેચાણને પણ તેની મર્યાદામાં લાવી શકાય.
 
પરંતુ ફાર્મસિસ્ટ અને રિટેલર્સ ઍસોસિયેશન આને લઈને બધા પક્ષો સાથે વિચાર કરીને તેની સાથે જોડાયેલા નિયમ-કાયદા બનાવવાની માગ કરી રહ્યા છે.
 
જે. એસ. શિંદે કહે છે કે જે દેશોમાં ઈ-ફાર્મસીનો ઉદ્યોગ ચાલી રહ્યો છે ત્યાં તેની શું અસર પડી છે અને એનાથી બચવા માટે ભારતમાં શું કરી શકાય એનો અભ્યાસ થવો જોઈએ.
 
તમામ પક્ષો ઉપર ધ્યાન આપ્યા વિના તેની પરવાનગી ન આપવામાં આવે.
 
તેમણે જણાવ્યું કે "અમે સરકારને 21 દિવસની નોટિસ આપીશું કે તેઓ તમારી ચિંતાઓ સાંભળે અને કોઈ પગલું ભરે. જો સરકાર તરફથી કોઈ પ્રતિક્રિયા નથી આવતી તો બધા દવા વિક્રેતાઓ હડતાળ ઉપર જશે."

સંબંધિત સમાચાર

Next Article