રિલાયન્સ જિયોએ જાહેરાત કરી છે કે કંપની ગૂગલ સાથે ભાગીદારી કરી રહી છે. આ ભાગીદારી હેઠળ, એક ઓપરેટિંગ સિસ્ટમ તૈયાર કરવામાં આવશે જે એન્ટ્રી લેવલ 4 જી અને 5 જી સ્માર્ટફોન માટે હશે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના 43મા AGM (Annual General Meeting) દરમિયાન આજે કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ ઈન્ટરનેટની દિગ્ગજ કંપની ગૂગલ રિલાયન્સના વેન્ચર જિયો પ્લેટફોર્મ્સમાં 33,737 કરોડ રૂપિયાનું રોકાણ કરશે તેવી જાહેરાત કરી હતી. જિયો પ્લેટફોર્મ્સમાં 33,737 કરોડ રૂપિયાનું રોકાણ કરીને ગૂગલ કંપનીની 7.7 ટકા ભાગીદારી ખરીદી રહ્યું છે.
મુકેશ અંબાણીએ વધુ એક જાહેરાત કરતા કહ્યું હતું કે, અમે ભારતને 2G મુક્ત કરવા માંગીએ છીએ. મુકેશ અંબાણી દ્વારા કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે ગૂગલ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડિજિટલ હેન્ડ Jio Platformsમાં 7.7 ટકા હિસ્સો ખરીદી અને 33,737 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. ચેરમેન મુકેશ અંબાણીએ Jio અને ગૂગલની પાર્ટનરશીપથી થનારા ફાયદા ગણાવ્યા હતા.
મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, ભારત 5G યુગના દરવાજે આવીને ઉભું છે. તેમણે કહ્યું હતું કે, તેમનો પ્રયાસ વર્તમાન 2G ફોન ઉપયોગ કરી રહેલા 35 કરોડ ભારતીયોને સસ્તા સ્માર્ટફોન આપવાનો છે. એજીએમમાં ફેસબુકના માલિક માર્ગ ઝુકરબર્ગ અને ગૂગલના સીઈઓ સુંદર પિચાઈના વીડિયો સંદેશ પણ સંભળાવવામાં આવ્યા હતાં.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં 3 ટકાનો વધારો:
એજીએમ દરમિયાન બુધવારે કારોબાર દરમિયાન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં લગભગ 3 ટકાની તેજી જોવા મળી અને શેર ભાવ 1975 રૂપિયાના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો. આ પહેલા મંગળવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર દબાણમાં હતો. માર્કેટ કેપની વાત કરીએ તો 12 લાખ 45 હજાર કરોડ રૂપિયાના સ્તરે છે. આ પહેલી ભારતીય કંપની છે જે આ સ્તરે પહોંચી છે.
કોરોના કાળમાં ટોચ લેવલે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ:
કોરોના કાળમાં પણ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને એક પછી એક મોટી સફળતાઓ મળી. રિલાયન્સ જિયો પ્લેટફોર્મને વૈશ્વિક સ્તરે 1 લાખ કરોડથી વધુ રોકાણ મળી ચૂક્યું છે. આ રોકાણકારોમાં ફેસબુક જેવી કંપનીએ પણ શામેલ છે. આ રોકાણના કારણે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ હવે દેવા મુક્ત બની ગઈ છે. આપને જણાવી દઈએ કે આ પહેલા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે દેવા મુક્ત થવા માટે માર્ચ 2021 સુધીની ડેડલાઈન નક્કિ કરી હતી. પરંતુ આ પહેલા જ કંપની દેવા મુક્ત બની ગઈ છે.