આંદોલન ફળ્યું : પોલીસવડા શિવાનંદ ઝાએ LRD મહિલા ભરતી પ્રક્રિયાને કર્યો આ આદેશ

શનિવાર, 4 જુલાઈ 2020 (10:43 IST)
રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝા દ્વારા બિન હથિયારી અને હથિયારી મહિલા લોકરક્ષકોને 15 જુલાઈ સુધી હાજર થવાનો હુકમ કરવામાં આવ્યો છે. જેમને નિમણૂક પત્ર આપવાના બાકી છે તેમના મેડિકલ, ચારિત્ર્ય સર્ટિફિકેટ, અને દસ્તાવેજી ચકાસણી પૂર્ણ કરવામાં આવે તેમ ડીજીપીએ જણાવ્યું હતું. 
 
અંદાજે 2 હજાર મહિલાઓને નિમણૂક પત્રોની રાહ જોઇ રહી હતી. 20 તારીખ સુધી નિમણૂક પત્રો નહીં અપાય તો આંદોલન કરીશું તેવી મહિલાઓએ ચિમકી ઉચ્ચારી હતી. રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં મહિલાઓએ આવેદનપત્ર પણ આપ્યા હતા. નિમણૂક પ્રક્રિયા પૂરી કરવાની માગ સાથે રજૂઆત કરી હતી. ભરતીમાં પસંદ થયેલી મહિલાઓને નિમણૂક પત્રો મળ્યા ન હતા.
 
પોલીસની ભરતીમાં મહિલાઓને સરકારે 33 ટકા અનામત આપી છે, જો કે 1 ઓગસ્ટ 2018ના રોજ થયેલા પરિપત્ર મુજબ મહિલા ઉમેદવારે જે કેટેગરીમાં ફોર્મ ભર્યુ હોય તેમાં જ તેની પસંદગી શક્ય બને. એટલે કે કોઈ મહિલાએ ઓબીસી કેટેગરીમાં ફોર્મ ભર્યુ હોય તો તેને જનરલ કેટેગરીમાં સ્થાન મળી શકે નહીં. 
 
આ જીઆરને કારણે સ્થિતિ એવી સર્જાઈ છે કે કેટલીક અનામત કેટેગરીની મહિલા ઉમેદવારોને જનરલ કેટગેરી તેમજ ઈડબલ્યુએસ કેટેગરીની મહિલાઓ કરતાં વધુ માકર્સ આવ્યા છે પરંતુ તેમને જનરલ કેટેગરીમાં સ્થાન ન મળતાં તેઓ નોકરીઓથી વંચિત રહી ગઈ છે. ત્યારે આ જીઆરને કારણે અન્યાય થઈ રહ્યો હોવાનું જણાવી રાજ્યમાં આંદોલન પણ થયું હતું. 
 
આ ઉપરાંત રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ રાજ્નાયના 34 પીઆઈ અને 50થી વધુ પીએસઆઈની તાબડતોડ બદલીઓ કરવાના આદેશ આપ્યા છે. શુક્રવારે પોલીસ ઇસ્પેક્ટરોની આંતરજિલ્લા બદલીના ઓર્ડરો જાહેર કર્યા હતા. જેના કારણે પોલીસબેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર