આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વંદેભારત એક્સપ્રેસ ટ્રેન અને અમદાવાદ મેટ્રો રેલના ફેઝ 1ના પશ્ચિમ કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું હતું. વસ્ત્રાપુર ખાતે વડાપ્રધાનની જાહેરસભા આજે યોજાઈ હતી. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી થોડા દિવસ પહેલા જ ઘાટલોડિયામાં જે રિક્ષાચાલક વિક્રમ દંતાણીના ઘરે જમવા ગયા હતા. તે વિક્રમ દંતાણી આજે જાહેરસભામાં વડાપ્રધાનને સાંભળવા માટે આવ્યો હતો. ભાજપની ટોપી અમે ભાજપનો ખેસ પહેરી અને સભામાં આવ્યો હતો.
રિક્ષાચાલક વિક્રમ દંતાણીએ જણાવ્યું હતું કે હું જ્યારથી વોટ નાખતા શીખ્યો છું ત્યારથી જ ભાજપમાં જોડાયેલો છું અને મોદી સાહેબનો આશિક છું. જ્યારે હું યુનિયનની સભામાં ગયો ત્યારે મેં અરવિંદ કેજરીવાલને જમવા માટે આમંત્રણ આપ્યું હતું. એક સામાન્ય નાગરિક અને ગુજરાતી જ્યારે કોઈ મહેમાન આવે ત્યારે જમવાનું આમંત્રણ આપે છે એવી રીતે જમવા બોલાવ્યાં હતા. આમ આદમી પાર્ટી સાથે હું જોડાયેલો નથી. પ્રોટોકોલ તોડી અને તેઓ મારી સાથે રીક્ષામાં આવ્યા હતા. મારે બીજી કોઈ ચર્ચા જ નથી થઈ. હું પહેલાંથી જ ભાજપ માટે જ કામ કરૂં છું. અમારી આખી સોસાયટી ભાજપને જ મત આપે છે.
તેમણે વધુમાં જણાવ્યુ કે જ્યારે અરવિંદ કેજરીવાલ મારા ઘરે આવ્યા ત્યારે મોટી સંખ્યામાં લોકો હાજર હતા. તેમાં મોટાભાગના લોકો તેમના જ માણસો હતા. અડધા માણસો યુનિયન તરફથી અને બીજા એમના માણસો હતા. અરવિંદ કેજરીવાલ જમીને ગયા પછી તેઓએ મારો કોઈ સંપર્ક કર્યો નથી. ભાજપના કાર્યકર્તાઓ સાથે વાત થાય અને જ્યારે પણ કઈ કામ હોય તો તેઓ કરે છે એટલે ભાજપ બધું કામ કરી આપે છે. હું તો ભાજપ સાથે જોડાયેલું છું. ભાજપ સરકાર હોય ત્યાં મને કોઈ ડર નથી. ભાજપ સરકારનું કામ હોય ત્યાં હું હાજર થઈ જ જવ છું. મારા ઉપર કોઈ દબાણ નથી કે કોઈ ધમકી આપવામાં આવી નથી. હું જાતે જ આ સભામાં આવ્યો છું.