કૉંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્માએ શનિવારે વડોદરામાં નિવેદન આપ્યું હતું કે ગુજરાતમાં 'સાહેબ'ની 'કેટલીક મુલાકાતો' બાકી હોવાથી ગુજરાતમાં ચૂંટણી જાહેર કરાઈ નથી.
'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ પ્રમાણે, આલોક શર્માએ કહ્યું, "સાહેબની કેટલીક મુલાકાતો અને ઉદ્ઘાટનો બાકી હોવાથી ચૂંટણીપંચે ગુજરાતની ચૂંટણી જાહેર કરી નથી. આપણે સૌ જાણીએ જ છીએ કે ચૂંટણીપંચ કોના ઇશારે કામ કરી રહ્યું છે?"
તેમણે "કૉંગ્રેસ અન્ય કોઈ પક્ષ સાથે ગઠબંધન કરવા કરતાં વિપક્ષમાં રહેવું પસંદ કરશે" એમ કહીને એ પણ સ્પષ્ટ કર્યું હતું કે ગુજરાતને 'ભારત જોડો યાત્રા'માં સામેલ ન કરવાનું કારણ એ છે કે તેનાથી ચૂંટણીપ્રચારની કામગીરીને ખલેલ પહોંચી શકે છે.
તેમણે આમ આદમી પાર્ટી વિશે કહ્યું હતું કે આપની હાજરીથી કૉંગ્રેસને કોઈ ફરક પડતો નથી. કારણ કે કૉંગ્રેસ જમીન પર મજબૂત છે.
તેમણે કહ્યું, "અમે 125 બેઠકો પર જીતીશું. પંજાબમાં આપ ભલે જીતી હોય પણ ગુજરાતની પ્રજા તેમને સ્વીકારશે નહીં. અમે ભલે બે-ત્રણ વખત વિપક્ષમાં બેસીએ પણ કોઈની સાથે ગઠબંધન નહીં કરીએ."