ભાજપ ગ્રામ્ય વિસ્તારમાં પકડ મજબૂત કરવા આ અભિયાન દ્વારા પ્રચાર કરશે

Webdunia
ગુરુવાર, 15 સપ્ટેમ્બર 2022 (16:42 IST)
ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી છે,ત્યારે મહતમ બેઠકો જીતવા દરેક રાજકીય પાર્ટી એડી ચોટીનુ જોર લગાવી રહી છે.આપ સહિત ભાજપના દિગ્ગજ નેતાઓના ગુજરાત પ્રવાસ વધી રહ્યા છે.હવે શહેર બાદ ગ્રામ્ય વિસ્તારમાં પકડ મજબુત કરવા ભાજપ જોર લગાવી રહી છે. ‘નમો કિસાન પંચાયત’ અભિયાન દ્વારા ભાજપ ગુજરાતના ગ્રામીણ મતદારોમાં પોતાની પકડ મજબૂત કરવા પ્રયાસ કરશે.

માહિતી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના ભાગરુપે આયોજિત આ કાર્યક્રમ 20 સપ્ટેમ્બરની આસપાસ શરૂ થશે. આ અભિયાન હેઠળ લગભગ એક મહિના દરમિયાન ગુજરાતના 14 હજારથી વધુ ગામડાઓને આવરી લેવામાં આવશે. ‘નમો કિસાન પંચાયત’માં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે ચલાવવામાં આવી રહેલી યોજનાઓની માહિતી આપવામાં આવશે. તો પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા નમો કિસાન પંચાયતમાં હાજર રહીને આ અભિયાનને લીલી ઝંડી આપી શકે છે.

મીડિયા અહેવાલો અનુસાર, આ યોજનાને સફળ બનાવવા માટે ગુજરાત  ઉપરાંત અન્ય રાજ્યોમાંથી ભાજપના બે હજાર કાર્યકરો આ યોજનાને સફળ બનાવવા માટે કામે લાગ્યા છે. આ પંચાયતોમાં ખેડૂતોને કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ કેવી રીતે લેવો તે પણ જણાવવામાં આવશે. એટલું જ નહીં ભાજપના કાર્યકર્તાઓ ગ્રામજનોને યોજનાઓનો લાભ લેવા તાલીમ પણ આપશે.ગુજરાતમાં શહેરી વિસ્તારોમાં ગાંધીનગર, સુરત, ભરૂચ અને અમદાવાદમાં ભાજપની પકડ મજબૂત છે, પરંતુ સૌરાષ્ટ્ર-કચ્છના ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોમાં તેને કોંગ્રેસ તરફથી બરાબરની ટ્કકર મળી રહી છે. તો બીજી તરફ આ વખતે AAP પણ મેદાનમાં છે.ત્યારે ભાજપ આગામી વિધાનસભા ચૂંટણીમાં ખેડૂત મતદારોમાં પોતાની પકડ મજબૂત કરવા મથામણ કરી રહી છે.

સંબંધિત સમાચાર

Next Article