ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. હવે બીજા તબક્કાનું મતદાન સોમવારે પાંચ ડિસેમ્બરે યોજાશે. ત્યારે વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં છેલ્લા બે મહિનામાં સરકારી અને ભાજપના કુલ 61 કાર્યક્રમોમાં હાજરી આપી છે. તેમણે ગુજરાતમાં કુલ 38 સભાઓ સંબોધી છે. જ્યારે રાજ્યની 100થી વધુ બેઠકો પર પ્રચાર કર્યો છે. હવે તેઓ ઉત્તર ગુજરાત અને અમદાવાદમાં છેલ્લી ઘડીનો પ્રચાર કરી રહ્યાં છે. તેમની સાથે ગૃહમંત્રી અમિત શાહ અને અન્ય કેન્દ્રીય નેતાઓની ફોજ પણ પ્રચારના મેદાનમાં ઉતરી ગઈ છે.
વડાપ્રધાન મોદીના પ્રચારનો છેલ્લો દિવસ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાન પહેલા હવે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રચારનો છેલ્લો દિવસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બનાસકાંઠાના કાંકરેજ, પાટણના યુનિવર્સિટી ગ્રાઉન્ડ, આણંદના સોજીત્રા તેમજ અમદાવાદના સરસપુરમાં જાહેર જનસભા સંબોધી રહ્યાં છે. જોકે હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેમની સભા અને રોડ-શોની કેટલી અસર જોવા મળે છે તે તો આવનાર દિવસોમાં ખબર પડી જશે.
5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે
સત્તાધારી પક્ષ તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને અન્ય નેતાઓ જોરશોરથી પ્રચાર કરતા રહ્યા છે અને આજે વડાપ્રધાનના પ્રચારનો છેલ્લો દિવસ છે. જોકે ભાજપના ઝંઝાવાતી પ્રચારને કારણે રાજ્યમાં એન્ટી ઈન્કમ્બન્સીનો માહોલ પણ ન બની શક્યો. તેનો સીધો ફાયદો સત્તાધારી ભાજપને મળતો જોવા મળી રહ્યો છે. હવે આગામી 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે