gujarat assembly election 2022- ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ જોરશોરમાં ચાલી રહી છે. કોંગ્રેસ ભાજપ અને આપે પોતાના મોટાભાગના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. તો બીજી તરફ ભાજપે 160 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. જેમાં ઘણા એવા ઉમેદવારો છે જે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે તેમને ટિકીટ મળી છે, જ્યારે કેટલાક ચાલુ ધારાસભ્યોના પત્તા કપાઇ ગયા છે.
ગુજરાતની ચૂંટણીમાં રાજકીય અને જાતિગત સમીકરણો પણ જોવા મળ્યા છે. 69 ધારાસભ્યોને રિપીટ કર્યા છે જ્યારે 38 ધારાસભ્યોના પત્તા કપાયા છે. ભાજપે વિવિધ જ્ઞાતિ, પંથ, વય તેમજ વિશષ્ટ વ્યક્તિઓ મળીને વિવિધ સમાજને પ્રતિનિધિત્વ આપ્યું છે.
જેમાં ઓબીસી 49, પાટીદાર 41, બ્રાહ્મણ 12, ક્ષત્રિય 14, 13 એસસી, 24 એસટી ઉમેદવાર, જૈન અને લોહાણા 5, સિંધી સમાજ 1 મરાઠી-પાટીલ 2 સહિત 14 મહિલાઓનો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે આ વખતે માલધારી સમાજને એકપણ બેઠક મળી નથી. જેને લઇને માલધારી સમાજમાં રોષ જોવા મળ્યો છે. શક્યતા છે બીજી યાદીમાં માલધારી સમાજને સ્થાન મળી શકે છે.
તો બીજી તરફ ભાજપની પહેલી યાદીમાં થરાદ, મોડાસા, જમાલપુર-ખાડિયા, ધંધુકા, માંગરોળ, તળાજા, આણંદ, સોજીત્રા, બાલાસિનોર અને દાહોદ બેઠકો પરથી ઉમેદવારો હારી ગયા હતા. ત્યારે ભાજપે ફરીથી તેમની પર વિશ્વાસ મુક્યો છે. આ તરફ આ બેઠકોમાં ભાવનગર પૂર્વ, ધોરાજી, કુતિયાણા, ખંભાળિયા, ચોર્યાસી, ડેડિયાપાડા બેઠકના ઉમેદવારનાં નામ જાહેર કરવાના હજુ બાકી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને લઈને ચૂંટણી પંચે મતદાર સુધારણા કાર્યક્રમ બાદ મતદારોની અંતિમ યાદી જાહેર કરી હતી. પંચ તરફથી જાહેર કરવામાં આવેલી યાદીમાં, રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. આ સાથે જ, રાજ્યમાં 11,62,528 નવા મતદારો નોંધાયા છે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો સામે આવ્યા છે. જેમાં, 4 લાખથી વધુ વિકલાંગ મતદારો પણ નોંધાયા છે. કુલ મતદારોમાં 1,417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ છે.