પ્રદેશમાં સરેરાશ 3.5 ટકા મતદાન થયું પરંતુ કતારગામમાં માત્ર 1.41 ટકા જ મતદાન થઈ શક્યું
ગુજરાતમાં પ્રથમ તબક્કાની ચૂંટણીમાં 3 કલાકમાં 15 ટકા જેટલું મતદાન થયું છે. ત્યારે ધીમા મતદાનને લઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને કતારગામ વિધાનસભા બેઠકના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાએ ધીમા મતદાનને લઈને આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું કે પ્રથમ તબક્કાની તમામ બેઠકોનું સરેરાશ 3.5 ટકા મતદાન થયું છે. જ્યારે કતારગામ બેઠક પર માત્ર 1.41 ટકા જ મતદાન થયું છે.
AAP ઉમેદવાર દિનેશ જોષી સાયકલ પર મતદાન કરવા પહોંચ્યા
રાજકોટમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારે મતદાનની સાથે-સાથે અનોખી રીતે મોંઘવારીનો વિરોધ દર્શાવ્યો છે. રાજકોટની હાઈપ્રોફાઈલ ગણાતી પશ્ચિમ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર દિનેશ જોષી સાયકલ પર મતદાન કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓ સાયકલની આગળ તેલનો ડબ્બો અને સાયકલની પાછળ ગેસનો બાટલો લઈને મતદાન કરવા પહોંચ્યા હતા.