ગુજરાતમાં ભાજપ અને પાટીદારો વચ્ચે ચાલતું રાજકારણ ચૂંટણી જેમ નજીક આવતી જાય છે તેમ વધુ ગંભીર બનતું જાય છે. મંગળવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હોમટાઉનમાં સરદાર પટેલની જન્મજયંતીની રેલી નીકળી હતી આ દરમિયાન કેટલાક અજાણ્યા યુવાનોએ કાલાવડ રોડ સહિતના રાજમાર્ગો પર ડિવાઇડર વચ્ચે મુકાયેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીના બેકલીટમાં તોડફોડ કરી હતી.
આ અંગે પોલીસમાં ભાજપ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. જ્યારે કોંગી ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ જણાવ્યું હતું કે, અમારા કોંગ્રેસના એક પણ કાર્યકરનો આમાં હાથ હશે તો હું તેને છોડાવવા પણ નહીં જાવ. મુખ્યમંત્રી વિજય રૂપાણી જે સીટ પરથી ચૂંટણી લડવાના છે તે વિધાનસભા બેઠક નં.69મા સરદાર પટેલ સેવાદળે સરદાર પટેલની જન્મજયંતી નિમિત્તે કર્મવીર રેલી કાઢી હતી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ છે. બાઇક પર ડબલસવારી પાટીદાર યુવાનો હોર્ડિંગ્સમાં તોડફોડ કરતા સ્પષ્ટ નજરે પડે છે. રેલીમાં મોટી સંખ્યામાં પાટીદાર યુવાનો જોડાયા હતા. મહિલા કોલેજ ચોકથી લઇને કોટેચા ચોક સુધી સંખ્યાબંધ હોર્ડિંગ્સમાં તોડફોડ મચાવી હતી.