રાજકોટ મહાપાલિકાનું છેલ્લું જનરલ બોર્ડ મળતાંની સાથે જ કોંગ્રેસના કાર્યકરોએ બઘડાટી બોલાવી હતી. વિરોધને પગલે ભાજપના કાર્યકરો પણ ઉશ્કેરાયા અને ચાલુ મિટિંગે બંને પક્ષે છૂટ્ટાહાથની મારામારી સર્જાઇ હતી. બોર્ડ પૂર્વેની પ્રશ્નોત્તરીમાં 24 નગરસેવક તરફથી 42 સવાલોના થપ્પા થયા છે. જો કે, વિપક્ષના સભ્યને અગ્રતાક્રમ મળ્યો ન હતો. વિપક્ષ તરફથી વર્તમાન સમસ્યા રોગચાળો, ધીમા ફોર્સે પાણી મળવું, છેલ્લા કેટલાક સમયથી ફૂડ શાખા તરફથી જે દરોડા પડ્યા છે
તેમાં સીલ કરવા જેવા કડક પગલાં શા માટે નથી લેવાયા જેવા સંખ્યાબંધ સવાલો સાથે દેખાવો કર્યા હતા. જનરલ બોર્ડ દરમિયાન કોંગ્રેસ દ્વારા કોર્પોરેશનની બહાર વિચિત્ર વિરોધ કરવાનો કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં વિપક્ષ નેતા વસરામ સાગઠિયા ધૂણવા લાગ્યા હતા, તથા તેઓ ધૂણતા ધૂણતા સાશક પક્ષનો વિરોધ કરતાં હતા. આ દરમિયાન મોટી સંખ્યામાં કોંગ્રેસની મહિલા કાર્યકરો તથા અન્ય નેતાઓ ઉપસ્થિત રહી હતી. વિધાનસભાની ચૂંટણી પૂર્વેની છેલ્લી સાધારણ સભામાં એજન્ડા એકબાજુ રહી ગયો હતો અને શાસક અને વિપક્ષ બન્ને ચૂંટણી પૂર્વે એકબીજા સામે ભરી સભામાં બળાબળીનો જંગ કરવાના મૂડમાં હતા. પૂર્વે મેયર ડો.જૈમન ઉપાધ્યાયે 18મીને બુધવારે સવારે 11 વાગ્યે સામાન્ય સભા બોલાવી લીધી હતી. એજન્ડામાં મુખ્ય દરખાસ્ત પૈકી રાજ્ય સરકાર દ્વારા મોકલવામાં આવેલા ડ્રાફ્ટના પરામર્શને ગ્રાહ્ય રાખવા અંગે, આરોગ્ય શાખામાં મલેરિયા ઇન્સ્પેક્ટરની જગ્યાના ભરતી નિયમોમાં સુધારો કરવા અંગે, વોર્ડ નં.10માં નવું રેનબસેરા બનાવવું, નાનામવામાં એસઇડબ્લ્યુએસના હેતુ માટે અનામત રખાયેલા પ્લોટમાં 5551 ચો.મી. જમીન સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા જમીન હેતુફેર કરવાની દરખાસ્તનો નિર્ણય લેવાનાર હતા.