કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાટિયામાં જન સંભાને સંબોધતા જીએસટી, નોટબંધી તથા બેરોજગારીના મુદ્દા પર ભાજપ સરકાર પર નિશાન સાધતાં તેમણે કહ્યું કે કૉંગ્રેસ જે વચનો આપે છે તે ચોક્કસ નિભાવે છે. મોદી જી એ બે કરોડ યુવાનોને રોજગાર આપવાનું વચન આપ્યું હતું. બતાવો અત્યાર સુધીમાં કેટલાં લોકોને નોકરી મળી. આજે દેશમાં રોજગારી નથી. દેશનો યુવાન નોકરીની શોધમાં ભટકી રહ્યો છે.
તેની સાથે જ તેમણે કહ્યું કે જીએસટીથી નાના દુકાનદારોની મુસીબત વધી છે. બસ 4-5 કંપનીઓને ફાયદો થયો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે પહોંચી ચૂકયા છે. તેઓ મીઠાપુર એરપોર્ટથી ઉતરી સીધા દ્વારકાધીશના દર્શને પૂજા અર્ચના કરી ભવ્ય રોડ શો શરૂ કર્યો. આજે સૌરાષ્ટ્રના ધરા પરથી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરી દીધા છે. જ્યારે રોડ શો દ્વારા જામનગર પહોંચશે અને માર્ગમાં સભાને સંબોધન કરશે. જોકે આ પહેલા રાહુલ ગાંધી ભાટીયા ગામમાં પહોંચ્યા હતાં જ્યાં ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. જામનગરમાં કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના આગમનના પગલે સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવામાં આવી છે. રાષ્ટ્રીય ઉપાધ્યક્ષના આગમનને પગલે કોંગ્રેસમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.