ચૂંટણીનો ધમધમાટ: ગુજરાતમાં ૧૦ હજાર અર્ધ લશ્કરી દળો ખડકાશે

Webdunia
સોમવાર, 13 નવેમ્બર 2017 (14:15 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે ગુજરાતમાં અર્ધ લશ્કરી દળોની ૧૦૦ કંપની ખડકી દેવામાં આવશે. જેમાં ખાસ કરીને અમદાવાદ શહેરના શાહપુર, દરિયાપુર, દાણીલીમડા સહિતના અતિ સંવેદનશીલ વિસ્તારોમાં ૧૩૦૦ અર્ધ લશ્કરી દળો તૈનાત કરવામાં આવી રહ્યા છે. સુરક્ષા જવાનો સવાર સાંજ વિસ્તારમાં પોલીસ અધિકારીઓ સાથે ફૂટ પેટ્રોલીગ કરશે. આ વખતેની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારે રસાકસી થવાની સંભાવના સેવાઇ રહી છે, જેમાં ખાસ કરીને ભાજપ, કોગ્રેસ અને પાટીદારો તેમજ અન્ય પક્ષ વચ્ચે ચૂંટણી જંગ રહેશ. જેને ધ્યાનમાં રાખીને અમદાવાદ સહિત ગુજરાતમાં નાનો બનાવ મોટુ સ્વરૃપ ધારણ ના કરે તે માટે પોલીસ સ્થાનિક આગેવાનો સાથે બેઠકોના દોર શરૃ કરી દીધા છે. અમદાવાદ શહેરના સેકટર-૨ અધિક પોલીસ કમિશનર અશોક યાદવના જણાવ્યા મુજબ અમદાવાદના સંવેદનશીલ વિસ્તારો જેવા કે દરિયાપુર, કાલુપુર, દાણીલીમડા, ગોમતીપુર સહિતના વિસ્તારોમાં સ્થાનિક પીઆઇ સહિત પોલીસ અધિકારીઓ શાંતિ સમિતીના આગેવાનો સાથે પોળો અને મહોલ્લા મીટીગોનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત અતિ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ ઇન્સ્પેકટરની આગેવાની ટીમો બનાવવામાં આવી છે. જેમાં અસામાજિક તત્વોની ઓળખ કરીને તેમની સામે અટકાયતી પગલાં ભરવા તેમજ જેમની સામે અનેક ગંભીર પ્રકારના ગુના દાખલ થયેલા છે તેવા લોકો સામે તડીપાર સહિતના પગલાં ભરવા માટે આદેશો આપવામાં આવ્યા છે. પૂર્વ વિસ્તારના તમામ પોલીસ સ્ટેશનના ડીસીપી અને એસીપી અને પોલીસ ઇન્સ્પેકટર, પીએસઆઇને રાત્ર ૧૨ વાગ્યા સુધી પોતાના વિસ્તારમાં હાજર રહીને નાકાબંધી કરીને વાહન ચેકીંગ કરવાના આદેશો આપવામાં આવ્યા છે. ઉપરાંત સરદાનગર કાગડાપીઠ ગોમતીપુર, બાપુનગર અમરાઇવાડી સહિતના વિસ્તારોમાં દારુ- જૂગારની પ્રવૃતિને નાબુદ કરવા રેડ પાડવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે અને ચૂંટણીપંચના આચાર સંહિતા નિયમોનું ચુસ્તપણે પાલન કરવા પણ ધ્યાન રાખવામાં આવશે. માત્ર પૂર્વ વિસ્તારોમાં ખાસ કરીને અમરાઇવાડી, રામોલ, વટવા અને ઓઢવ તથા ગોમતીપુર તેમજ દાણીલીમડા સહિતના વિસ્તારોમાંથી ૬ હજાર અસામાજિક તત્વોના અટકાયતી પગલાં ભરવામાં આવ્યા છે.

સંબંધિત સમાચાર

Next Article