ગુજરાતની ગાદી કબજે કરવા નાણાની રેલમછેલ - ભાજપ 200 અને કોંગ્રેસ 100 કરોડનો ખર્ચ કરે તેવી શક્યતા

સોમવાર, 13 નવેમ્બર 2017 (14:11 IST)
ગુજરાતની ચૂંટણી જીતવા માટે મુખ્ય બન્ને પક્ષો ભાજપ અને કોંગ્રેસે હવે પોતાની તીજોરી ખુલ્લી મુકી દીધી છે. એક અંદાજ મુજબ વિધાનસબાની આ ચૂંટણીમાં ભાજપ ૨૦૦ કરોડથી વધુનો જ્યારે કોંગ્રેસ ૧૦૦ કરોડથી વધુનો ખર્ચ કરવાની છે. જો કે આ આંકડો ૫૦૦ કરોડના ખર્ચ સુધી પહોંચી શકે છે. ચૂંટણી પંચે દરેક ઉમેદવાર માટે ચૂંટણી ખર્ચની મર્યાદા રૃપિયા ૨૮ લાખ નક્કી કરી છે.

પરંતુ સૌ કોઈ જાણે છે કે એક બેઠક જીતવા માટે ૨૮ લાખ તો 'ચણા-મમરા' બરાબર છે. વાસ્તવમાં મોટાભાગની બેઠકો પર બન્ને પક્ષનાં ઉમેદવારે ૫૦ લાખથી લઇને ૧થી પાંચ કરોડ રૃપિયા સુધીનો જંગી ખર્ચ કરતા હોય છે. આમ છતાં ચૂંટણી પંચને જે હિસાબ આપે છે તેમાં ૨૮ લાખના આંકને કોઈ વટાવતુ નથી તેવું દર્શાવવામાં આવે છે. જે તે ઉમેદવારો ઉપરાંત રાજકીય પક્ષો પણ લખલૂટ ખર્ચ કરે છે. જેમાં મોટા નેતાઓની જાહેર સભાઓ, મીડિયામાં અપાતી જાહેરાતો, હોર્ડિંગ્સ, બેનરોની દેખરેખ અને ખાવા-પીવા-રહેવા વગેરે જેવી બાબતોમાં ખર્ચનો સમાવેશ થઇ જાય છે. ૨૦૧૨ની ચૂંટણીમાં ભાજપે ચૂંટણી પંચ સમક્ષ ખર્ચનાં જે આંકડા રજૂ કર્યા છે તે મુજબ લગભગ સવાસો કરોડનો ખર્ચ કર્યો હતો. જ્યારે કોંગ્રેસે ૨૦૧૨ની ચૂંટણીાં ૭૩ કરોડ જેટલો ખર્ચ કર્યો છે. આ આંકડા સત્તાવાર છે. એટલે કે બીન સત્તાવાર ખર્ચનો આંકડો આનાથી બમણો હોઈ શકે છે. આ વખતની એટલે કે ડીસેમ્બર-૨૦૧૭માં યોજાનારી ચૂંટણી બન્ને પક્ષો માટે 'કરો યા મરો' જેવી બની ગઈ હોવાની ગત ચૂંટણી કરતાં પણ ઘણો વધુ ખર્ચ કરવાની તૈયારી રાખી છે. બન્ને પક્ષો દ્વારા ચાર-પાંચ મહિના પહેલા જ ગુજરાતની ચૂંટણીમાં કેટલો ખર્ચ કરાશે તેનું બજેટ ગુજરાતનાં તેના નેતાઓને આપી દીધું હતું. જો કે જરૃર પડયે જેટલું બજેટ ફાળવાયુ છે તેનાથી વધુ રકમની પણ ફાળવણી કરવાનું મન હાઈકમાન્ડે બનાવી લીધું છે. અત્રે નોંધનીય છે કે રાજકીય પક્ષોને ચૂંટણીમાં ખર્ચ કરવા પર કોઈ મર્યાદા નથી. એટલે કે એક રૃપિયાથી લઇને ૧૦૦૦ કરોડ કે તેનાથી વધુનો ખર્ચ પણ જે તે પક્ષ સત્તાવાર રીતે કરી શકે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર