વડોદરામાં હાર્દિક પટેલનું શક્તિ પ્રદર્શન, સાહેબ 22 વર્ષના વિકાસની જગ્યાએ 22 વર્ષના છોકરાની સેક્સ સીડી દેખાડે છે

Webdunia
બુધવાર, 13 ડિસેમ્બર 2017 (10:22 IST)
બીજા તબક્કાની ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે હાર્દિકે વડોદરામાં વિશાળ રોડ શો કરી સંગમ ચોકડી પાસે જાહેર સભાને સંબોધી હતી. જેમાં તેણે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે 22 વર્ષનો વિકાસ દેખાડવાને બદલે 22 વર્ષના છોકરાની સેક્સ સીડી દેખાડે છે. શહેરમાં યુવાનો આજે બેરોજગાર છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ હવે 14 ડિસેમ્બરના રોજ બીજા તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે. બીજા તબક્કાના મતદાન પહેલા તમામ પાર્ટીઓ પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા પૂરી તાકાત લગાવી રહી છે.

ત્યારે પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ પણ ભાજપ સામે શક્તિ પ્રદર્શન કરી પોતાની તાકાત બતાવી રહ્યો છે. સોમવારે અમદાવાદમાં રોડ શો કર્યો અને ત્યાર બાદ આજે વડોદરામાં પણ રોડ શો કરી પોતાનું શક્તિપ્રદર્શન કર્યું છે. જાહેર સભાને સંબોધતા હાર્દિકે કહ્યું હતું કે સાહેબના છેલ્લા 50 દિવસના પ્રવાસમાં ક્યાંય  વિકાસ વિશે સાંભળવા નથી મળ્યું.  છેલ્લા 22 વર્ષથી તાનાશાહીનું વાતાવરણ ઊભું કર્યું છે તેમને જવાબ આપવાનો સમય આવી ગયો છે. બતાવી દો તેમને તમારી તાકાત. હાર્દિકે મોદી પર પ્રહાર કરતા કહ્યું કે આપણે આવા સરસ મજાના ભયંકર જૂઠ્ઠું બોલતા વડાપ્રધાન મળ્યા છે. જે આજે સી-પ્લેન લઈને આવ્યા છે પણ આ પ્લેન ભારતનું છે કે નહીં તે બધી બાબતો જાણવી જરૂરી છે. વિકાસને બદલે પાકિસ્તાન અને હિંદુ-મુસ્લિમની વાતો કરે છે.  સાહેબના બધે જ સંબંધો નિકળી જાય છે, તો હું પણ આજે કહીશ મારે પણ વડોદરા સાથે જૂના સંબંધો છે.  આંચારસહિત લાગુ પડવા માત્ર અડધો કલાક બાકી હોવાથી હાર્દિકે તેની વાત ખૂબજ ઓછા સમયમાં સરળતાથી કહીં દીધી.  આ ભાજપ સરકારને ખબર પાડવાની જરૂર છે. જેની માટે માત્ર પાટીદાર સમાજ નહીં તમામ સમાજના લોકોએ ભેગા થઇ ભાજપને સબક શિખવાડવાનો સમય છે. આ સરકારે જીએસટી અને નોટબંધી કરી અનેક વેપારો બંધ કરાવી દીધા, વેપારીઓ પણ આગળ આવી ભાજપને સબક શીખવાડવાની જરૂર છે. જો 14મી તારીખ પછી કોઇ ભાજપ વાળો ધમકી આપે તો મારો નંબર આપી દેજો હું જોઇ લઇશ. તેમજ હાર્દિકે વડોદરાની પોલીસના વખાણ કરતા કહ્યું, વડોદરા પોલીસનો ખૂબ સારો સહકાર મળ્યો છે. તમે આવી જ રીતે અમને સહકાર આપતા રહો અને તમે અમારા આંદોલનમાં જોડાઇ જાવ. હાર્દિક પટેલની આજની વડોદરા ખાતેની રેલી અને જાહેરસભામાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા હાર્દિકનુ સ્વાગત કરવામાં આવ્યું હતુ. 
 
 
 

સંબંધિત સમાચાર

Next Article