ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોઇક તત્વો દ્વારા કોંગ્રેસના ઉમેદવારોની ખોટી યાદી જાહેર કર્યા બાદ હવે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ ભરતસિંહ સોલંકીના રાજીનામાનો ફેક લેટર સોશ્યલ મીડિયામાં વાઇરલ કર્યો છે. આ ફેક પત્રના પગલે ગુજરાતમાં ગઇકાલે મોડી સાંજથી રાજકારણમાં હોબાળો મચી ગયો હતો. અને ભરતસિંહ સોલંકીએ સ્પષ્ટતા કરવી પડી હતી કે 'આ પત્ર ખોટો છે. હું કોંગ્રેસમાં જ છું.
કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધીને ઉદેશીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના લેટરપેડ પર ભરતસિંહ સોલંકીની સહી સાથે સોશ્યલ મીડિયામાં વાઇરલ થયેલા આ ફેક પત્રમાં એવું જણાવાયું છે, 'ગુજરાતની ચૂંટણીમાં પાર્ટીએ એવા નિર્ણય કર્યા છે. જે રાજનીતિની પરિભાષાને અનુકુળ નથી. ટિકીટ વહેંચણીમાં પૈસા લઇને ટિકીટ વેચવામાં આવી છે. ચૂંટણી અભિયાનની કમાન એવા લોકોના હાથમાં સોંપી છે જેઓ ન તો ગુજરાતની રાજનીતિથી પરિચિત છે કે ન તો જનતાના સ્વભાવથી. રાહુલ ગાંધીને પણ ખોટી સલાહ આપી ગુમરાહ કરવામાં આવી રહ્યા છે. આવી ગતિવિધીઓથી હું અધ્યક્ષપદેથી રાજીનામું આપું છું. કાર્યકર તરીકે હું કામ કરીશ.આ પત્રના મુદ્દે ભરતસિંહ સોલંકીએ મીડિયાને કહયું હતું કે 'અમારા લોહીમાં કોંગ્રેસ છે. અમે કોંગ્રેસને વફાદાર છીએ. હું કોંગ્રેસમાં જ છું. આ પત્ર ખોટો છે. જાતજાતની અફવા ફેલાવવાનો બીજેપી પ્રેરિત તત્વો પ્રયાસ કરી રહ્યા છે. આ બનાવટી પત્ર વિશે હું ચૂંટણી પંચમાં ફરીયાદ કરીશ.