ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની બે યાદી જાહેર થયા બાદ કોંગ્રેસે રવિવારે મોડી રાત્રે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતીના લેટરપેટનો દૂરપયોગ કરીને જાહેર કરાયેલી ખોટી યાદીના એક કલાક બાદ દિલ્હી કોંગ્રેસ હેડક્વાર્ટર્સ પરથી સાચી યાદી જાહેર કરવામાં આવી હતી. પ્રથમ યાદીમાં સૌરાષ્ટ્ર-મધ્ય અને દક્ષિણ ગુજરાતને આવરી લઇને ૭૭ બેઠકો પર પસંદ કરાયેલાં ઉમેદવારોના નામો કોંગ્રેસે સત્તાવાર રીતે જાહેર કર્યા હતાં. રાજ્યસભાની ચૂંટણી વખતે પક્ષની વફાદારી દાખવનારાં વર્તમાન ધારાસભ્યોને ટિકિટ આપી હાઇકમાન્ડે પણ પોતાનુ વચન બરકરાર રાખ્યુ હતુ જેના ભાગરૃપે ૧૨ વર્તમાન ધારાસભ્યોને પુ:ન ટિકિટ આપવામાં આવી હતી જેમાં વાંકાનેર બેઠક પર જાવેદ પિરઝાદા,માણાવદરમાં જવાહર ચાવડા, ઉનામાં પૂજા વંશ, વિસાવદરમાં હર્ષદ રિબડિયા,અમરેલીમાં પરેશ ધાનાણી, ડાંગમાં મંગળ ગામિત,ધરમપુરમાં ઇશ્વર પટેલ,માંડવીમાં શક્તિસિંહ ગોહિલ,રાજકોટમાં ઇન્દ્રનિલ રાજ્યગુરૃ,પાલિતાણામાં પ્રવિણ રાઠોડનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છેકે, એઆઇસીસીના પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે અબડાસા બેઠકને બદલે માંડવી બેઠક પરથી ચૂંટણી લડવાનો નિર્ધાર કર્યો છે. જોકે, કોંગ્રેસ પ્રથમ તબક્કામાં ચાર પૂર્વ સાંસદોને ધારાસભ્ય બનવાનો મોકો આપ્યો છે જેમાં લિંબડી બેઠક પર સોમાભાઇ ગાંડાભાઇ પટેલ,લાઠીમાં વિરજી ઠુમ્મર, મહુવામાં પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી અને જસદણમાં કુંવરજી બાવળિયાનો સમાવેશ થાય છે.આ ઉપરાંત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જૂન મોઢવાડિયાને પોરબંદર બેઠક પર ચૂંટણી લડાવવા કોંગ્રેસે નક્કી કર્યું છે. આ વખતે કોંગ્રેસે પ્રથમ યાદીમાં ત્રણ લઘુમતી ઉમેદવારોને પસંદ કર્યાં છે. વાગરા બેઠકમાં સુલેમાન પટેલ, વાકાનેરમાં મહંમદ જાવેદ પિરઝાદા અને સુરત વેસ્ટમાં ઇકબાલ પટેલને ટિકિટ આપવામાં આવી છે. અનામત આંદોલનકારીઓએ પણ કોંગ્રેસના પંજાના નિશાન પર ચૂંટણી લડવા મન બનાવ્યું છે એટલે ધોરાજી બેઠક પર પાસ નેતા લલિત વસોયાને ટિકિટ અપાઇ છે. આ ઉપરાંત જનાગઢ બેઠક પર અમિત ઠુમરની પસંદગી કરાઇ છે જયારે જેતપુરમાં ખોડલધામના ટ્રસ્ટી રવિ આંબલિયાને પણ કોંગ્રેસે ટિકિટ આપી છે. કામરેજ બઠક પર નિલેશ કુંભાણીને ટિકિટ આપીને કોંગ્રેસે પાટીદાર આંદોલનકારીઓને રાજી રાખવાનો પ્રયાસ કર્યો છે. કોંગ્રેસ અનામત આંદોલન બાદ નારાજ પાટીદારોનો રાજકીય લાભ લેવા સૌથી વધુ ૨૩ પાટીદારોને ટિકિટ આપી છે જયારે ૧૨ કોળી પટેલને ટિકિટ ફાળવી છે. ૮ ઓબીસી, ૭ દલિત અને ૩ લઘુમતીને પણ ટિકિટ આપીને વિવિધ સમાજને પુરતુ પ્રતિનિધિત્વ ફાળવવા કોંગ્રેસ પ્રયાસ કર્યો છે. જોકે, આંખે ઉડીને વળગે એવી વાત એછેકે, ૭૭ ઉમેદવારો પૈકી માત્ર બે મહિલા ઉમેદવારોી પસંદગી કરવામાં આવી છે જેમાં નવસારીમાં ભાવનાબેન પટેલ અને ભાવનગર ઇસ્ટમાં નિતાબેન રાઠોડની પસંદગી ઉતારાઇ છે. હવે બીજા તબક્કામાં અમદાવાદ સહિત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતને આવરી લઇને ઉમેદવારોની યાદી જાહેર કરાશે.