કેતન પટેલ અને અમરિશ પટેલે છોડ્યો હાર્દિક પટેલનો સાથ, ભાજપમાં જોડાશે

શનિવાર, 18 નવેમ્બર 2017 (14:10 IST)
પાટીદાર આંદોલનના  નેતા કેતન પટેલ અને અમરિશ પટેલે હાર્દિક પટેલનો સાથ છોડ્યો છે.   મળતી માહિતી અનુસાર, કેતન પટેલે તાજેતરમાં જ કમલમની મુલાકાત લીધી હતી, અને આજે સાંજે તેઓ ભાજપનો ખેસ ધારણ કરશે. કેતન પટેલના ભાજપ પ્રવેશ વખતે પક્ષના મોટા માથાં પણ હાજર રહે તેવી પૂરી શક્યતા છે. મહત્વનું છે કે, કેતન સામે રાજદ્રોહનો આરોપ તાજેતરમાં જ પડતો મૂકાયો હતો.

કેતન પટેલ ભાજપમાં જોડાનારા ચોથા મોટા માથાંના પાટીદાર આગેવાન છે. આ અગાઉ રેશ્મા પટેલ, વરુણ પટેલ તેમજ ચિરાગ પટેલ કેસરિયો ખેસ ધારણ કરી ચૂક્યા છે. મહત્વનું છે કે, આ તમામ પાટીદાર આગેવાનો એક સમયે હાર્દિકના ખાસ સાથીદારો હતા, પરંતુ તેઓ ભાજપમાં જોડાયા બાદ હાર્દિક પર અવનવા આક્ષેપો કરી રહ્યા છે, અને તેના પર સમાજને ગુમરાહ કરવાનો આરોપ મૂકી રહ્યા છે.ગઈ કાલે ભાજપમાં જોડાયેલા અને રાજદ્રોહના કેસમાં જેલમાં જઈ આવેલા ચિરાગ પટેલે કેસરિયો ખેસ ધારણ કરતા જ હાર્દિકની ટીકા કરી હતી. ચિરાગે જણાવ્યું હતું કે, હાર્દિકે સમાજના આક્રોશનો ઉપયોગ માત્ર પોતાના પ્રમોશન માટે કર્યો. આ ઉપરાંત તેણે હાર્દિક પર ફંડનો ગેરવહીવટ કરવા ઉપરાંત કોંગ્રેસ માટે કામ કરવાનો પણ આક્ષેપ કર્યો હતો. ચિરાગે કહ્યું હતું કે, આંદોલનનો ઉપયોગ સમાજ માટે નહીં, પરંતુ પોતાની મહત્વાકાંક્ષા સંતોષવા માટે થઈ રહ્યો છે.મહત્વનું છે કે, આંદોલનની બધી નેતાગીરી હાર્દિકે લઈ લેતા નારાજ કેતન અને ચિરાગ પટેલે ગયા વર્ષે જ હાર્દિક પર મોટા આરોપ મૂક્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે, હાર્દિક સમાજ દ્વારા અપાયેલા ફંડનો ઉપયોગ પોતાના માટે કરી રહ્યો છે. હાર્દિક પર આ આક્ષેપ મૂકાતા જ તેમને પાસમાંથી રુખસદ આપી દેવામાં આવી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર