સુરત શહેરના પુણા વિસ્તારમાં અર્ચના સ્કૂલ પાસેના રોડ પર ક્રિષ્ના સર્કલ પાસે માથાભારે ઈસમો વચ્ચે ઝઘડો થયા બાદ ટોળકીએ એક યુવક પર જીવલેણ હુમલો કર્યો. આ યુવક પર તીક્ષણ હથિયારો વડે હુમલો ફરી ઈસમો ફરાર થઈ ગયા હતા. જોકે CCTVમાં ઈસમો અને ઇજાગ્રસ્ત યુવક બંને કેદ થઈ ગયા હતા.
ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે સ્મિમેર હોસ્પિટલ ખસેડાયો, પરંતુ સારવાર દરમિયાન જ તેનું નિધન થયું. બીજી તરફ, ઘટનાની જાણ થતાં પુણા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સંપૂર્ણ બનાવ અંગે તપાસ હાથ ધરી હતી. સારવાર દરમિયાન યુવકનું મોત નીપજતાં પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને પકડવા વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, વરાછાના એલએચ રોડ પર ગાયત્રી સોસાયટીની બાજુમાં રામકૃપા સોસાયટીમાં રહેતા 30 વર્ષીય વિજય મેહુલભાઈ લુણીની પૂર્ણા વિસ્તારમાં હત્યા કરી દેવામાં આવી હતી. કેટલાંક માથાભારે તત્ત્વો સાથે ઝઘડો થતાં વિજય લુણીને ત્રણથી ચાર જેટલા ઈસમોએ ઢોરમાર મારી તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો અને લોહીલુહાણ કરી ઇજાગ્રસ્ત કરી દીધો હતો.આ યુવકને ગંભીર ઈજા પહોંચતાં તાત્કાલિક સ્થાનિકો દ્વારા 108ની મદદથી સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. અહીં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
યુવકનું મોત થતાં તેના ભાઈ મેહુલ લુણીએ પુણા પોલીસ મથકમાં હુમલો કરી હત્યા કરનાર ત્રણથી ચાર ઈસમ વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી છે.આ બનાવની જાણ પુણા પોલીસ મથકમાં થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર બનાવની તપાસ હાથ ધરી હતી.પોલીસ પાસેથી મળતી વિગત મુજબ, સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેમાં તીક્ષ્ણ હથિયાર વડે દુર્ગેશ અને તેના મિત્રોએ વિજય પર હુમલો કર્યો એ જોવા મળ્યું હતું. દુર્ગેશ અને તેના સાગરીતોએ વિજયની હત્યા શા માટે કરી? એ હજુ સુધી જાણી શકાયું નથી. હાલ તો પોલીસે ઘટનાના CCTV ફૂટેજ કબજે કરી હત્યા કરનાર દુર્ગેશ અને તેના મિત્રોને પકડવાનાં ચક્રો ગતિમાન કર્યાં છે.