ફરી સુરતમાં બાળકી પીંખાઈ, મધરાત્રે 4 વર્ષની બાળકી પર હવસખોરે દુષ્કર્મ આચર્યું

ગુરુવાર, 22 જૂન 2023 (15:48 IST)
surat news
સુરતમાં 4 વર્ષની બાળકી પર મધરાત્રે દુષ્કર્મની ઘટના સામે આવી છે. રાત્રે અજાણ્યા શખસે આવીને બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. રાત્રે 2 વાગ્યા આસપાસ બાળકીનો રડવાનો અવાજ આવતાં પરિવાર જાગી ગયો હતો અને પુત્રીને લોહીલુહાણ જોતાં પરિવારજનો ધ્રૂજી ગયાં હતાં. જોકે બાદમાં બાળકીને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડાઇ હતી.

ડોક્ટરના જણાવ્યા પ્રમાણે બાળકીના પ્રાઇવેટ પાર્ટ અને મોઢાના ભાગે ખૂબ જ ગંભીર ઇજા છે. બાળકીને ઓપરેશન થિયેટરમાં સર્જરી કરી ICUમાં દાખલ કરાઈ છે. હાલ બાળકી બેભાન છે. તબીબોના જણાવ્યા પ્રમાણે બાળકી બેભાન હાલતમાં છે. બાળકીનું બીજું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, નાકમાંથી લોહી વહેવાનું ચાલુ થતાં ઓપરેશન કરવાની ફરજ પડી છે. બાળકી હજુ પણ બેભાન જેવી હાલતમાં જ છે. હવસખોર ઊંઘમાં જ બાળકીને ઉઠાવી ગયો હતો અને એક દીવાલ કૂદી અવવારૂ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં બાળકી ચાલતા ચાલતા ફરી પોતાના પરિવાર પાસે આવી ગઈ હતી. બાળકીને ઊંચકીને હવસખોર લઈ જાય છે તેના સીસીટીવી પણ સામે આવ્યા છે. જેમાં એક સીસીટીવીમાં બાળકી સાથે તે દીવાલ કૂદી રહ્યો છે તેવું દેખાય છે.

મૂળ મધ્યપ્રદેશનો શ્રમિક પરિવાર સુરતમાં નવનિર્મિત બાંધકામ સાઈટ પર રહે છે અને મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની 4 વર્ષની બાળકીનો રાત્રિ બે વાગ્યાના અરસામાં રડવાનો અવાજ આવતા પરિવાર ઊંઘમાંથી જાગી ગયો હતો. દીકરીને લોહીલુહાણ હાલતમાં જોતા પરિવાર ચોંકી ગયો હતો. બાળકીની હાલત જોતાં પરિવારે તાત્કાલિક 108ને જાણ કરી હતી. ત્યારબાદ 108 મારફતે સારવાર અર્થે બાળકીને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બાળકીની હાલત ગંભીર હોવાથી અને દુષ્કર્મની શંકા હોવાથી ઈચ્છાપોર પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પીઆઇ સહિતનો પોલીસનો કાફલો હોસ્પિટલ દોડી આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં દુષ્કર્મ થયું હોવાનું જણાતા પોલીસ દ્વારા હાલ ફરિયાદ નોંધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ સાથે જ પોલીસે સીસીટીવી કેમેરાના આધારે અજાણ્યા હવસખોર શખસની શોધખોળ હાથ ધરી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર