અમદાવાદમાં લૂંટના બનાવો વધી રહ્યાં છે. બેફામ રોંગ સાઈડમાં વાહન હંકારીને ચીલઝડપ થવાના ગુનાઓ પણ વધી રહ્યાં છે. ત્યારે અમદાવાદના નારણપુરામાં રોંગ સાઈડમાં એક્ટિવા લઈને આવેલા શખ્સો મહિલાના ખભે લટકાવેલું પર્સ ઝૂંટવીને ફરાર થઈ ગયાં હતાં. મહિલાના પર્સમાં આઈફોન, ગાડીના કાગળો અને અન્ય જરૂરી ડોક્યુમેન્ટ હતાં. તે ઉપરાંત મહિલાએ પર્સમાં ATMનો પીન પણ એક ચીઠ્ઠીમાં લખીને રાખ્યો હતો. ગઠિયાઓએ મહિલાના ખાતામાંથી 35 હજાર પણ ઉપાડી લીધા હતાં.પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં રહેતી મહિલા બે દિવસ પહેલા ઘરેથી નીકળી નજીકના ઓશિયા મોલ ગયા હતા. શાકભાજી ખરીદવા નીકળ્યા અને ચાલતા હતા હતા ત્યારે મોલ તરફથી રોંગ સાઈડમાં એક્ટિવા લઈને શખ્સો આવ્યા હતા.મહિલા હજુ તો કઈ સમજે તે પહેલા આ ગઠિયાઓ તેમના ખભે લટકાવેલું પર્સ જ લૂંટીને ફરાર થઇ ગયા હતા. પર્સમાં ગાડીનાં કાગળ અન્ય જરૂરી ડોક્યુમેન્ટ અને બેંકના એટીએમ કાર્ડ પણ હતા. આ મહિલાએ પોતાના પર્સમાં ATMનો પીન નંબર એક ચીઠ્ઠીમાં લખીને રાખ્યો હતો. પર્સની ચોરી થઈ તે દિવસે જ સાંજે અચાનક જ ATM ટ્રાન્ઝેકશનનાં મેસેજ આવતા તેમણે પાસવર્ડ રાખેલી ચિઠ્ઠી ગઠિયાઓનાં હાથમાં લાગી ગઇ હોવાનું તેમને ધ્યાન પડ્યું હતું. આ ATM પાસવર્ડની મદદથી ગઠિયાઓએ મહિલાનાં ખાતામાંથી 35 હજાર ઉપાડયા હોવાનું સામે આવ્યું હતું.મહિલાની એક નાની ભૂલ એવી થઈ કે તેનો ફાયદો આ શખ્સો ઉપાડી ગયા. આ શખ્સો 60 હજારનો આઈફોન અને 35 હજાર ઉપાડી લેતા મહિલાને 95 હજારની મતા ગુમાવવાનો વારો આવ્યો હતો. સમગ્ર બાબતને લઈને નારણપુરા પોલીસે ગુનો નોંધી આસપાસનાં CCTV મેળવવા તજવીજ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે અવાર નવાર પોલીસ દ્વારા સાવચેતીના ભાગરૂપે જણાવવામાં આવે છે કે લોકોએ પર્સ માં પોતાની કિંમતી વસ્તુ કે આ પ્રકારનાં ડોક્યુમેન્ટ ન રાખવા જોઈએ છતાંય લોકો આ રીતે પર્સમાં આવી વસ્તુઓ રાખતા આવી ઘટનાઓ બનવા પામતી હોય છે.