વસ્ત્રાલમાં આવાસ યોજનાના મકાનમાં ચાલતા જુગારધામ પર ક્રાઈમ બ્રાંચ ત્રાટકી, 11 શકુનિઓ ઝડપાયા

Webdunia
શુક્રવાર, 8 સપ્ટેમ્બર 2023 (17:39 IST)
ક્રાઈમ બ્રાંચે 1.26 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી
 
અમદાવાદઃ શહેરમાં શ્રાવણિયા જુગારની મૌસમ જામી છે. છેલ્લા એક સપ્તાહમાં હાઈપ્રોફાઈલ જુગારધામ પર દરોડા પાડીને પોલીસે સપાટો બોલાવ્યો છે. સરખેજ, થલતેજ, મેમનગર અને સેટેલાઈટ બાદ હવે વસ્ત્રાલ વિસ્તારમાંથી ક્રાઈમ બ્રાંચે દરોડો પાડીને 11 શકુનિયોને જુગાર રમતાં રંગેહાથે ઝડપી લીધા છે અને તેમની પાસેથી 1.26 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. શહેરમાં પોલીસ જુગારીયાઓ સામે એક્શનમાં આવી ગઈ છે. ઝોન-2ની પોલીસે તાજેતરમાં જ ઝોન-7માં ક્રોસ રેડ કરી હતી જેનાથી જુગારીયાઓમાં હડકંપ મચી જવા પામ્યો હતો. પોલીસની એક્શન બાદ પણ શહેરમાં જુગારના અડ્ડા બંધ થવાનું નામ નથી લેતા. 
 
જુગાર રમતાં 11 શકુનિયોને ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યાં
પ્રાપ્ત વિગતો પ્રમાણે પોલીસના દરોડાથી બચવા માટે જુગારિયાઓ ફ્લેટમાં જુગારધામ ચલાવી રહ્યાં છે. ત્યારે પોલીસ પણ ફ્લેટમાં ચાલી રહેલા જુગારધામો પર દરોડા પાડી રહી છે. ગઈકાલે સેટેલાઈટ વિસ્તારમાં આવેલી હોટલ માન રેસીડેન્સીમાં પોલીસે રેડ કરી હતી. આ રેડ દરમિયાન પોલીસે આરોપીઓની સાથે લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ રેડ દરમિયાન ઝડપાયેલા આરોપીઓ પૈકી એક આરોપી નિવૃત્ત એડિશનલ DGPનો પુત્ર હોવાની માહિતી સામે આવી છે. જ્યારે આજે વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા નર્મદા આવાસ યોજનાના બ્લોક નંબર 24માં જુગાર રમતાં 11 શકુનિયોને ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યાં છે અને તેમની પાસેથી 1.26 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. 
 
થલતેજમાં હાઈપ્રોફાઈલ જુગારધામ પર રેડ કરી હતી
શહેરમાં થોડા સમય પહેલાં જ પોલીસે સરખેજ અને ત્યાર બાદ થલતેજમાં હાઈપ્રોફાઈલ જુગારધામ પર રેડ કરી હતી. ત્યાર બાદ ગઈકાલે સેટેલાઈટ વિસ્તારમાં આવેલી હોટલ માન રેસીડેન્સીમાં કેટલાક લોકો જુગાર રમતા હોવાની પોલીસને બાતમી મળી હતી. જુગારધામ અંગે સેટેલાઇટ પોલીસ સ્ટેશનના PI કેતન વ્યાસે ડી સ્ટાફને સૂચના આપી હતી. બાદમાં ડી સ્ટાફના PSI ડાભી અને તેમની ટીમે રેડ કરી જુગાર રમતા 9 લોકોને ઝડપી લીધા હતા. જે પૈકી એક નિવૃત્ત એડિશનલ DGPનો પુત્ર હોવાની માહિતી છે.

સંબંધિત સમાચાર

Next Article