પાકિસ્તાન ક્રિકેટ ટીમ તેમના પ્રદર્શનને જોતા આ સમયે તેના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છે એમ કહેવું બિલકુલ ખોટું નહીં હોય. તાજેતરમાં બાંગ્લાદેશ સામે ઘરઆંગણે 2 મેચની ટેસ્ટ શ્રેણીમાં ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો હતો. તે જ સમયે, પીસીબીએ હવે ટીમમાં સુધારો કરવા અને નવા ખેલાડીઓને તક આપવા માટે 12 થી 29 સપ્ટેમ્બર સુધી ચેમ્પિયન્સ વન-ડે કપનું આયોજન કરવાનો નિર્ણય લીધો છે. જેમાં પાકિસ્તાની ટીમના ઘણા સિનિયર ખેલાડીઓ રમતા જોવા મળવાના છે. આ સંદર્ભે PCB દ્વારા 5 ટીમોની જાહેરાત કરવામાં આવી છે જેમાં સ્ટાર ફાસ્ટ બોલર શાહીન આફ્રિદી લાયન્સ ટીમની કેપ્ટનશિપની જવાબદારી સંભાળતો જોવા મળશે. બાબર આઝમ આ ટૂર્નામેન્ટમાં ખેલાડી તરીકે રમવા જઈ રહ્યો છે.
શાહીન આફ્રિદી ઉપરાંત પીસીબી દ્વારા જે પાંચ કેપ્ટનની જાહેરાત કરવામાં આવી છે તેમાં મોહમ્મદ રિઝવાન, મોહમ્મદ હરિસ, શાદાબ ખાન અને સઈદ શકીલના નામ સામેલ છે જે લાયન્સ, વુલ્વ્ઝ, સ્ટેલિયન્સ, પેન્થર્સ અને ડોલ્ફિન ટીમમાં સામેલ છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન ક્રિકેટને મજબૂત કરવા માટે, PCBએ ચેમ્પિયન્સ કપ નામની આ નવી ટૂર્નામેન્ટનું આયોજન કરવાનો નિર્ણય કર્યો. આ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાનના સિનિયર ખેલાડીઓ સહિત ઘણા યુવા ખેલાડીઓ રમતા જોવા મળશે. પીસીબીએ આ ટૂર્નામેન્ટને લઈને પોતાના નિવેદનમાં કહ્યું હતું કે તેમનો પ્રયાસ આ વન-ડે કપ માટે વધુ સારી બેન્ચ સ્ટ્રેન્થ તૈયાર કરવાનો છે. જેથી આવનારા ભવિષ્ય માટે વધુ સારી ટીમ તૈયાર કરી શકાય.