Babar Azam Captaincy - વનડે વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ટીમને કરારી હારનો સામનો કરવો પડ્યો. ટીમે આ સીજન પણ સેમીફાઈનલ માટે ક્વાલીફાઈ ન કરી શકી. બાબર આઝમની કપ્તાનીમાં ટીમે એક પણ મહત્વના મુકાબલામાં સારુ પ્રદર્શન કર્યુ નથી. બીજી બાજુ બાબર આઝમ પણ આ વર્લ્ડકપમાં ખરાબ ફોર્મમાં જોવા મળ્યા. જ્યારબાદ પાકિસ્તાનની ટીમની સાથે સાથે બાબર આઝમની કપ્તાની પણ સવાલના ઘેરામાં આવી ગઈ. વર્લ્ડકપમાં ટીમ બહાર થયા પછી બાબર આઝમે હવે અચાનક એક મોટો નિર્ણય લેતા પોતાના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે.
બાબર આજમે વર્લ્ડકપમાં ટીમના કપ્તાન અને એક ખેલાડીના રૂપમાં ખરાબ પ્રદર્શન બાદ હવે કપ્તાની છોડવાનો નિર્ણય લીધો છે. તેણે સોશિયલ મીડિયા દ્વારા આ જાણકારી આપી છે. બાબર આઝમને વર્ષ 2019માં પાકિસ્તાનનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. 4 વર્ષ સુધી ટીમનું સુકાન સંભાળ્યા બાદ હવે તેણે ત્રણેય ફોર્મેટમાં ટીમની કેપ્ટનશીપ છોડી દીધી છે. ઉલ્લેખનીય છે કે આ 4 વર્ષમાં પાકિસ્તાનની ટીમ એક પણ મોટી ટૂર્નામેન્ટ જીતી શકી નથી. ભારતમાં રમાઈ રહેલો વનડે વર્લ્ડ કપ તેની ટીમ માટે કોઈ દુઃસ્વપ્નથી કમ નથી.
બાબર આઝમે તેની કેપ્ટનશીપ છોડતી વખતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું હતું કે મને તે ક્ષણ સારી રીતે યાદ છે જ્યારે મને 2019માં પાકિસ્તાનની આગેવાની માટે PCB તરફથી ફોન આવ્યો હતો. છેલ્લા ચાર વર્ષમાં મેં મેદાન પર અને મેદાનની બહાર ઘણા ઉતાર-ચઢાવનો અનુભવ કર્યો છે, પરંતુ મેં મારા હૃદય અને જુસ્સાથી ક્રિકેટ જગતમાં પાકિસ્તાનનું ગૌરવ અને સન્માન જાળવી રાખવાનું લક્ષ્ય રાખ્યું છે. વ્હાઇટ-બોલ ફોર્મેટમાં નંબર 1 સ્થાન પર પહોંચવું એ ખેલાડીઓ, કોચ અને મેનેજમેન્ટના સામૂહિક પ્રયાસોનું પરિણામ હતું, પરંતુ હું આ પ્રવાસ દરમિયાન પાકિસ્તાનના ક્રિકેટ ફેંસના અતૂટ સમર્થન માટે તેમનો આભાર વ્યક્ત કરવા માંગુ છું.
આજે હું તમામ ફોર્મેટમાં પાકિસ્તાનના કેપ્ટન પદેથી રાજીનામું આપું છું. આ એક અઘરો નિર્ણય છે પરંતુ મને લાગે છે કે આ કોલ કરવાનો આ યોગ્ય સમય છે. હું ત્રણેય ફોર્મેટમાં એક ખેલાડી તરીકે પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરવાનું ચાલુ રાખીશ. હું મારા અનુભવ અને સમર્પણ સાથે નવા કેપ્ટન અને ટીમને સપોર્ટ કરવા માટે અહીં છું. મને આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવા બદલ હું પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવા માંગુ છું.