ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 18 જૂનથી સાઉથૈમ્પ્ટનમાં રમાનાર આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ માટે બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. મંગળવારે બીસીસીઆઈએ ફાઈનલ મેચ માટે 15 સભ્યોની ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી હતી. કેપ્ટન વિરાટ કોહલીના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા ન્યુઝીલેન્ડ સામે પહેલીવાર આ ખિતાબ જીતવા ઉતરશે.
બીસીસીઆઈએ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ માટે જે ટીમનુ એલાન કર્યુ છે તેમા વિકેટ કિપરના રૂપમાં રિષભ પંત અને રિદ્ધિમાન સાહા બંનેને ટીમમાં લેવામાં આવ્યા છે. આ ટીમમાં ફાસ્ટ બોલરના રૂપમાં ઉમેશ યાદવને સ્થાન આપવામાં આવ્યુ છે પણ શાર્દુલ ઠાકુર આ 15 સભ્યોની ટીમમાં સ્થાન ન બનાવી શક્યા.
બેટ્સમેનની વાત કરે તો રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, કપ્તાન વિરાટ કોહલી, ઉપકપ્તાન અજિંક્ય રહાણે અને હનુમા વિહારી સામેલ છે. સ્પિનર્સના રૂપમાં રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જડેજાને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.