ગુજરાતમાં હવે કોરોના વાયરસની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક રીતે આગળ વધી રહી છે. રાજ્યના ચાર મહાનગરોમાં કોરોનાએ અજગર ભરડો લીધો છે. તે ઉપરાંત રાજ્યના નાના શહેરોમાં પણ હવે કોરોનાનો કેર જોવા મળી રહ્યો છે. આખા ગુજરાતમાં કોરોના વાઇરસની મહામારી ફેલાઈ ગઈ છે ત્યારે ગુજરાત સરકાર તેને કાબૂમાં લેવા માટે પ્રયત્નશીલ છે. અત્યાર સુધી કોરોના વાઇરસના કુલ 5428 દર્દીઓ નોંધાયા છે. જેમાંથી 31 દર્દીઓ વેન્ટિલેટર પર છે અને 4065 દર્દીઓની હાલત સ્થિર છે. જ્યારે કુલ 1042 દર્દીઓએ કોરોનાને માત આપી છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કૉવિડ-૧૯ના 80,060 કુલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે આજે 5944 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં આજે સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં ૨૭૪, વડોદરા તથા સુરતમાં ૨૫-૨૫, મહેસાણામાં ૨૧, મહિસાગરમાં ૧૦ તથા રાજ્યના અન્ય જિલ્લાઓ સહિત કુલ રાજ્યમાં ૩૭૪ નવા કેસ નોંધાયા છે.