ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી કોરોન વાયરસના 900થી વધુ કેસ સામે આવી રહ્યાં છે. તો બીજીતરફ કોરોનાના ટેસ્ટિંગને લઈને પણ સવાલ ઉઠી રહ્યાં છે. હવે રાજ્યમાં કોરોના ટેસ્ટિંગ મામલે અમદાવાદ મેડિકલ એસોસિએશને ગુજરાત હાઈકોર્ટમાં વધુ એક અરજી કરી છે. રાજ્ય સરકારે દાવો કર્યો હતો કે ગુજરાતમાં 39 લેબોરેટરીમાં કોરોનાના ટેસ્ટ થઈ રહ્યાં છે.
હવે મેડિકલ એસોસિએશને સરકારના આ દાવાને હાઈકોર્ટમાં પડકાર આપ્યો છે. અમદાવાદ મેડિકલ એસોસિએશને કહ્યું કે, હજુ પણ કોરોનાનો ટેસ્ટ કરાવવા માટે લોકોએ બીજા જિલ્લામાં જવુ પડે છે. તેમણે રાજ્ય હાઈકોર્ટમાં લેબોરેટરીની માહિતી રજૂ કરે તેવી પણ માગ કરી છે. મેડિકલ એસોસિએશને 39 લેબોરેટરીમાં કોરોનાના ટેસ્ટ ન થવાનો દાવો કર્યો છે. અમદાવાદ મેડિકલ એસોસિએશને કહ્યું કે, કોરોનાના ટેસ્ટ ન થવાથી સંક્રમણ વધી રહ્યું છે. રાજ્યમાં અત્યાર સુધી 46 હજારથી વધુ કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે. તો આ મહામારીને કારણે 2108 લોકોના મૃત્યુ પણ થયા છે. અમદાવાદ મેડિકલે પોતાની અરજીમાં અન્ય રાજ્ય કરતા ગુજરાતમાં ઓછા ટેસ્ટ થતા હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. આ મામલે આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરાશે.