ગુજરાતમાં કોરોના વાયરસનો હાહાકાર લોકોમાં ભય રૂપે જોવા મળી રહ્યો છે. સરકારે હવે એપેડેમિક ડિસીઝ રેગ્યુલેશન એક્ટ લાગુ કર્યો છે જેનાં કાયદા પ્રમાણેના 10મા મુદ્દા અંતર્ગત વિદેશથી આવતા લોકો આઈસોલેશનમાં જવાનો ઈન્કાર કરે તો તંત્ર પાસે આવા યાત્રીકોની મરજી વિરૂદ્ધ તેમને આઈસોલેશનમાં રાખવામાં આવે તેવી સત્તા રહેશે. રાજકોટ શહેરમાં વિદેશથી આવેલા 76, જ્યારે ગ્રામ્યમાં 34 યાત્રિકો છે જે 14 દિવસ સુધી ઓબ્ઝર્વેશન હેઠળ રહેશે. આ તમામને ઘરની બહાર નીકળવાની મનાઈ ફરમાવાઈ છે અને જો તેઓ આઈસોલેશનમાં રહેવાની ના પાડે તો તંત્ર તેમને અલગથી આઈસોલેશનમાં રાખી શકશે. કોરાના શંકાસ્પદોની સંખ્યા વધતા આ લોકોના ક્લોઝ કોન્ટેક્ટ જેમ કે પરિવારજનો સહિતના 700 લોકોનું મંગળવારથી સ્ક્રીનિંગ શરૂ થશે. જૈન વિઝનના જણાવ્યા અનુસાર કોરોનાને લઈને ભીડ ન કરવા માટે સરકારે પ્રયાસો આદર્યા છે જેને માન આપીને આગામી સમયમાં મહાવીર સ્વામીનો જન્મ કલ્યાણક મહોત્સવ રદ કરાયો છે. ખોડલધામ ટ્રસ્ટે 31 માર્ચ સુધી કોઇ ધાર્મિક કાર્યક્રમો ન કરવા તેમજ ભાવિકોને મોટી સંખ્યામાં ન આવવા વિનંતી કરી છે.