રઈશ ફિલ્મના પ્રમોશન વખતે વડોદરા રેલવે સ્ટેશન પર સર્જાયેલી દુર્ઘટનાની તપાસ કરવા સામાજિક કાર્યકરે કરેલી અરજીના પગલે કોર્ટે શાહરુખ ખાનને તા. ૨૭મી અદાલતમાં હાજર રહેવા સમન્સ કાઢ્યું છે. શાહરુખ જવાબદાર હોવાના પૂરતા પુરાવા હોવાનું તપાસ અધિકારીએ કોર્ટમાં જણાવ્યું હતું. રઈશ ફિલ્મના પ્રમોશન માટે અભિનેતા શાહરુખ ખાન તેની ટીમ સાથે અગસ્તક્રાંતિ-રાજધાની એક્સપ્રેસ મારફતે તા. ૨૩મી જાન્યુઆરીએ મુંબઈથી દિલ્હી જવા નીકળ્યા હતા. વડોદરા રેલવે સ્ટેશન પર રાતે ૧૦.૩૯ મિનિટે ટ્રેન આવી હતી. શાહરુખને જોવા માટે લોકોની ભારે ભીડ પ્લેટફોમ નં. ૬ પર થઈ હતી. ટ્રેન ઉપડવાની તૈયારી થતાં લોકોએ શાહરુખને જોવા માટે દોડધામ કરી મૂકી હતી. દરમિયાન ધક્કામુક્કીમાં દબાઈ જતાં વડોદરાના ફતેપુરા વિસ્તારમાં રહેતા ફરીદખાન હબીબખાન પઠાણનું મોત નીપજ્યું હતું, જ્યારે બે પોલીસ કર્મચારીઓને ઇજા થઈ હતી. આ બનાવની રેલવે પોલીસ અધિક્ષકે ડીવાયએસપીને તપાસ સોંપી હતી. બીજી તરફ ઘટનાને લઈ એક સામાજિક કાર્યકરે કોર્ટમાં અરજી કરી હતી, જેમાં ડીવાયએસપીએ રેલવેના નિયમોનો શાહરુખે ભંગ કર્યો હોવાથી તેની સામે ગુનો દાખલ કરવાના પુરાવા છે તેવું જણાવ્યું હતું. જેને અદાલતે ગંભીરતાથી લઈ કોર્ટે તા. ૨૭મી જુલાઈએ શાહરુખ ખાનને અદાલતમાં હાજર રહેવા સમન્સ કાઢ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ મલાઈકા શેરાવત વિરુદ્ધ પણ અત્રેની કોર્ટમાં ફરિયાદ દાખલ થતાં તેની વિરુદ્ધ પણ સમન્ય કાઢવામાં આવ્યું હતું.