સાઉદી અરેબિયમાં બે ભારતીયને મૃત્યુદંડ આપવામાં આવ્યો

Webdunia
ગુરુવાર, 18 એપ્રિલ 2019 (16:55 IST)
સાઉદી અરેબિયામાં બે ભારતીયનાં સિર કલમ કરી દેવામાં આવ્યાં છે. બંને ભારતીયો પંજાબના હતા અને વર્ક-પરમિટ પર ત્યાં કામ કરી રહ્યા હતા.
તેની ખાતરી આપતા ભારતીય વિદેશ મંત્રાલયે એક પત્રમાં કહ્યું કે હોશિયારપુરના સતવિંદર સિંઘ અને લુધિયાનાના હરજિત સિંઘને 28 ફેબ્રુઆરીના રોજ સિર કલમની સજા કરવામાં આવી હતી.
સતવિંદરનાં પત્નીએ બીબીસી હિન્દીના રેડિયો સંપાદક રાજેશ જોશી સાથે વાત કરતાં કહ્યું, "છેલ્લે અમે 21 ફેબ્રુઆરીએ વાત કરી હતી. એ વખતે મારા પતિને આ સજા થશે એવી ખબર પણ નહોતી."
13 વર્ષની દીકરીનાં માતા સીમા કહે છે, "હજુ સુધી અમને સરકાર તરફથી કોઈ સૂચના મળી નથી કે કોઈ અધિકારીએ વાત પણ કરી નથી. કેટલાક છોકરાઓએ અમને કહ્યું તો અમે ઈ-મેઇલ મગાવ્યો હતો."
 
સમાચાર પર વિશ્વાસ થયો નહીં
સતવિંદર સિંઘ અને હરજિત સિંઘને 28 ફેબ્રુઆરીએ જ મૃત્યુદંડ આપી દેવામાં આવ્યો હતો, પણ તેમના પરિવારજનોને આ સમાચાર સોમવારે આપવામાં આવ્યા.
સીમા રાનીએ કહ્યું, 'બે વર્ષ સુધી પત્રો આવતા રહ્યા અને ફોન પર વાત થતી રહી, અચાનક વાતચીત બંધ થઈ ગઈ. જ્યારે બહુ દિવસો થઈ ગયા તો ગામની જ કોઈ વ્યક્તિએ કહ્યું કે તેઓ જેલમાં બંધ છે.'
સીમાના વકીલ વિજયનું કહેવું છે કે 28 ફેબ્રુઆરીએ જેલમાંથી કોઈનો ફોન આવેલો અને તેણે કહ્યું કે 'સતવિંદરને મૃત્યુદંડ આપવામાં આવ્યો છે.'
બીબીસી પંજાબીના સંવાદદાતા અરવિંદ છાબરાએ વકીલ સાથે વાત કરી. વિજયનું કહેવું છે કે સીમા અને અન્ય પરિવારજનોને ત્યારે આ વાત પર વિશ્વાસ થયો નહોતો.
વિજય કહે છે કે સીમાના પરિવારજનોએ જ્યારે વિદેશ મંત્રાલયનો સંપર્ક કર્યો તો તેમને પણ આ અંગે કોઈ જાણકારી નહોતી.
ત્યારબાદ વિજયે હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરીને વિદેશ મંત્રાલય આ વ્યક્તિઓની જાણકારી મેળવે તેવી માગ કરી.
તેમણે બીબીસીને કહ્યું કે ગયા સોમવારે મંત્રાલય તરફથી ઈ-મેઇલ દ્વારા મૃત્યુની ખાતરી કરાઈ હતી અને કહ્યું કે તે બંને સાઉદી અરેબિયામાં ડ્રાઇવર હતા અને તેમને 28 ફેબ્રુઆરીના રોજ મૃત્યુદંડની સજા કરવામાં આવી છે.
વર્ષ 2013માં હોશિયારપુરના સતવિંદર સિંઘ અને લુધિયાણાના હરજિત સિંઘ વર્ક-પરમિટ પર સાઉદી અરેબિયા ગયા હતા.
સતવિંદરનો પરિવાર હોશિયારપુરના દાસુયા પાસે એક ગામમાં રહે છે.
 
કેમ સજા થઈ?
સતવિંદર સિંહ અને હરજિત સિંહની ડિસેમ્બર 2015માં ધરપકડ કરવામાં આવી હતી.
મંત્રાલયના પત્રમાં જણાવવામાં આવ્યું છે કે ત્રણેય લૂંટની એક ઘટનામાં સામેલ હતા.
"પૈસાની વહેંચણીને લઈને ત્રણે વચ્ચે ઝઘડો થયો હતો. હરજિત અને સતવિંદરે આરિફની હત્યા કરી અને મૃતદેહને રણમાં ફેંકી દીધો."
મંત્રાલયે કહ્યું કે થોડા સમય બાદ દારૂ પીને ઝઘડો કરવાના આરોપમાં બંનેની ધરપકડ થઈ અને તેમને દમ્મામમાં રાખવામાં આવ્યા હતા.
જોકે, જ્યારે તેમની સજા પૂરી થઈ ત્યારે પ્રત્યાર્પણ સમયે ધ્યાનમાં આવ્યું કે હત્યાના એક કેસમાં પોલીસ તેમને શોધી રહી હતી.
આ મામલે સુનાવણી માટે તેમનું રિયાધની જેલમાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું.
મંત્રાલયના પત્ર અનુસાર, "પૂછપરછ દરમિયાન બંનેએ પોતાનો ગુનો કબૂલ કરી લીધો હતો."
મંત્રાલયે કહ્યું છે કે સાઉદી અરેબિના કાયદા અનુસાર મૃત્યુદંડ પામેલી વ્યક્તિનો મૃતદેહ પરિવારને નથી સોંપાતો કે તેમના દેશ પરત મોકલવામાં પણ નથી આવતો. બે મહિના પછી તેમનાં મૃત્યુના પુરાવા જાહેર કરવામાં આવશે.

સંબંધિત સમાચાર

Next Article